સાહિત્ય જગતના માંધાતા ગણાતા કાઝુઓ ઇશિગુરો, ફિલિપા ગ્રેગરી અને રિચાર્ડ ઓસ્માન સહિતના લગભગ 10,000 લેખકોએ જનરેટિવ એઆઇ કંપનીઓ સામે એક અત્યંત પ્રભાવશાળી અને હિંમતભેર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ લેખકોએ 'ડોન્ટ સ્ટીલ ધીસ બુક' (આ પુસ્તકની ચોરી કરશો નહીં) નામનું એક ખાલી પુસ્તક પ્રકાશિત કર્યું છે, જે હાલમાં લંડન બુક ફેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં કોઈ લખાણ નથી તે સંપૂર્ણપણે ખાલી છે. તેમાં માત્ર આ ઝુંબેશમાં સહભાગી થયેલા હજારો લેખકોના નામની યાદી આપવામાં આવી છે. લેખકોના મતે, જો એઆઇ કંપનીઓ લેખકોની પરવાનગી કે વળતર વિના તેમના કોપિરાઇટ કરેલા કાર્યોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે તો ભવિષ્યમાં સાહિત્ય જગત આવું જ 'ખાલી' અને નિર્જીવ દેખાશે.
આ ઝુંબેશ મુખ્યત્વે યુકે સરકારના પ્રસ્તાવિત 'વાણિજ્યિક સંશોધન અપવાદ'ને લક્ષ્ય બનાવે છે. આ કાયદો અમલમાં આવતા એઆઇ કંપનીઓને લેખકોની સંમતિ કે તેમને વળતર આપ્યા વિના તેમના પુસ્તકો પર એઆઇ મોડેલ્સને તાલીમ આપવાની કાયદેસરની છૂટ મળી શકે તેમ છે. લેખકોએ આ પગલાને 'પુસ્તક ચાંચિયાગીરી' ગણાવીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
સંગીતકાર અને કોપિરાઇટ કાર્યકર્તા એડ ન્યૂટન-રેક્સ, જેઓ આ અભિયાનના આયોજક છે, તેમણે જણાવ્યું હતું કે એઆઇ ઉદ્યોગ ચોરાયેલા કામ પર બનેલો છે. આ પીડિતો વિનાનો ગુનો નથી. જનરેટિવ એઆઇ એ જ સર્જકોની આજીવિકા છીનવી રહ્યું છે જેમના કામ પર તે તાલીમ પામે છે.
આ લડતમાં માત્ર લેખકો જ નહીં, પણ સંગીત જગતની હસ્તીઓ પણ જોડાઈ છે. મેલોરી બ્લેકમેન, જીનેટ વિન્ટરસન અને એલન મૂર જેવા લેખકોની સાથે એલ્ટન જોન જેવા સુપ્રસિદ્ધ સંગીતકારોએ પણ કોપિરાઇટ કાયદામાં સંભવિત છૂટછાટની આકરી ટીકા કરી છે.
એઆઇ પ્રણાલીઓને તાલીમ આપવા માટે વિશાળ ડેટાની જરૂર હોય છે, જે અવારનવાર ઇન્ટરનેટ પરથી પરવાનગી વગર મેળવવામાં આવે છે. ગયા વર્ષે, એઆઇ કંપની એન્થ્રોપિક એ લેખકોના દાવા બાદ 1.5 બિલિયન ડોલરનું સમાધાન કરવું પડ્યું હતું, જે દર્શાવે છે કે આ વિવાદ કેટલો ગંભીર છે.
અભિયાનની વેબસાઇટ પર સ્પષ્ટપણે જણાવાયું છે કે, એઆઇ કંપનીઓએ પણ બીજા બધાની જેમ પુસ્તકો માટે ચૂકવણી કરવી જોઈએ. જો સરકાર સર્જકોનું રક્ષણ નહીં કરે, તો આવનારા સમયમાં આપણી પાસે માત્ર ખાલી પાના અને આર્થિક રીતે પાયમાલ થયેલા લેખકો જ બચશે.