જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા ચાર માસમાં ૪૭ લાખથી વધુ દંડ વસૂલાયો

  • May 13, 2026 12:52 PM 

જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા ચાર માસમાં ૪૭ લાખથી વધુ દંડ વસૂલાયો

ટ્રાફિક નિયમનના ભંગ સબબ ૯૬૦૦ જેટલા ચાલકો ઝપટમાં આવ્યા : શહેરમાં ટ્રાફિક સમસ્યા યથાવત


જામનગર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને નિયમોના સતત ભંગને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી તા. ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ટ્રાફિક શાખાએ વિવિધ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર કુલ ૯,૬૯૧ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને અંદાજે ૪૭ લાખથી વધુનો દંડ વસૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રાફિક વિભાગના પ્રાપ્ય આંકડાઓ અનુસાર શહેરમાં સૌથી વધુ નો-પાર્કિંગના ૪,૪૪૫ કેસ નોંધાયા હતા. આ કેસોમાં અંદાજે રૂ. ૨૨ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેના પરથી જામનગર શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા ગંભીર બની હોવાની સ્થિતિ સામે આવી રહી છે.

હેલ્મેટ વગર વાહન ચલાવવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે આવા નિયમભંગ બદલ કુલ ૩૨ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. સાથે જ ચાલુ વાહન દરમિયાન મોબાઈલ ફોન પર વાત કરતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૧૯૪ જેટલા કેસ નોંધાયા હતા અને લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ લગાવનાર વાહનચાલકો સામે ૭૫૮ કેસ નોંધાયા હતા, જ્યારે કાળા કાચ અને ડાર્ક ફિલ્મ લગાવનાર ૨૫૫ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને રૂા. ૧ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન હંકારવાના ૩૪૪ કેસ નોંધાયા હતા તેમજ વીમા વગર વાહન ચલાવવાના ૧૦૧ કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

ટ્રાફિક વિભાગ માટે ચિંતાજનક બાબત એ પણ રહી કે સગીર વયના વાહનચાલકોના ૨૫ કેસ નોંધાયા હતા. ટ્રાફિક વિભાગે માતા-પિતાને સગીર બાળકોને વાહન ન આપવા અપીલ કરી છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત વાહન વ્યવહાર જાળવવા અનુરોધ કર્યો છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ નિયમભંગ કરનારાઓ સામે આ પ્રકારની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા સતત કામગીરી હાથ ધરાશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application