રાજકોટ શહેરના સ્પીડવેલ રોડ પર આવેલા મહાપૂજા ધામ ચોક નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતી વોલ્વો કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા અને પાર્ક કરેલા આશરે 7 થી 8 જેટલા વાહનોને કચડી નાખ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અનેક વાહનચાલકો અને રાહદારીઓ રસ્તા પર ફંગોળાયા હતા, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાસ્થળે અફરાતફરી અને પોલીસ કાફલો
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોની મદદ માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો મોટો સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો. પેરામેડિકલ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસનો મોટો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
લોકોનો રોષ અને કારચાલકની ધરપકડ
અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાસ્થળે હાજર ઉશ્કેરાયેલા ટોળાએ વોલ્વો કારના ચાલકને પકડી પાડ્યો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ કારચાલકને મેથીપાક આપ્યા બાદ તેને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ હાલ કારચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડ્રાઈવર નશામાં હતો કે કેમ અથવા કારમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ અકસ્માતને કારણે મહાપૂજા ધામ ચોક આસપાસના વિસ્તારમાં લાંબા સમય સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.