જામનગર રોડ પર જલારામ હોટેલ નજીક રાત્રીના બનાવ બન્યો

  • May 13, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના જામનગર રોડ પર જલારામ હોટેલ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. લક્ઝરી બસે સ્કૂટરને ઠોકરે લેતા 10 અને 15 વર્ષની બંને બહેનોને ગંભીર ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં 15 વર્ષીય મોટી બહેનનું ચાલુ સારવારે મોત નીપજતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. અકસ્માત સર્જી લકઝરી ચાલક નાસી છૂટતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ નાના મવા ભીમનગરમાં રહેતાં નીશાબેન દિનેશભાઈ વાઘેલા અને તેની ત્રણ પુત્રી દર્શના (ઉ.વ.૧૮), તન્વી (ઉ.વ.૧૫) અને કાવ્યા (ઉ.વ.૧૦) બધા જામનગર રોડ પર આવેલી હોટેલમાં જમવા માટે જતા હતા જેમાં માતા નિશાબેન અને મોટી દીકરી દર્શના રીક્ષામાં હતા અને નાની દીકરી તન્વી અને કાવ્યા પ્લેઝર સ્કૂટર લઈને નીકળ્યા હતા. દરમિયાન જામનગર રોડ જલારામ હોટેલ નજીક પહોંચતા પુરપાર ઝડપે આવતી ખાનગી લકઝરી બસે પ્લેઝરને ઉલાળતા બંને બહેનો રોડ પર પટકાઈ હતી. પાછળ રિક્ષામાં આવતા તણીના માતા અને મોટી બહેન દોડી ગયા હતા. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઇ જતા કોઈએ 108ને જાણ કરતા બંને બાળકીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં તન્વી (ઉ.વ.15)નું બપોરે ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર તન્વીએ ધોરણ-૧૦ની પરિક્ષા આપી હતી. તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં નાપાસ થઇ હતી. તેણીના પિતા હયાત નથી, માતા નિશાબેન ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્રીના મોતથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application