ઈંધણ બચત માટે ગુજરાત સરકારની વર્ક ફ્રોમ હોમ મોડલની વિચારણા!, જાણો શ્રમ અને રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ શું કહ્યું?

  • May 13, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન પર્યાવરણ અને આર્થિક બચત માટે પેટ્રોલ-ડીઝલ બચાવવા, કાર પૂલિંગ કરવા અને મેટ્રો ટ્રેનનો વધુ ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરી હતી. પ્રધાનમંત્રીની આ અપીલને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં ઈંધણનો વપરાશ ઘટાડવા અને પરિવહન ખર્ચમાં કાપ મૂકવા માટે સરકાર વિવિધ સ્તરે નવા વિકલ્પો અને આધુનિક કાર્યપદ્ધતિ પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.


વર્ક ફ્રોમ હોમ મોડલની વિચારણા

આ દિશામાં મહત્વનું સૂચક નિવેદન આપતા શ્રમ અને રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ફરી એકવાર 'વર્ક ફ્રોમ હોમ' મોડલ પર વિચારણા કરી રહી છે. ખાસ કરીને કોર્પોરેટ સેક્ટર અને મોટી ખાનગી કંપનીઓમાં જ્યાં શક્ય હોય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ આયોજનને અમલમાં મૂકવા માટે સરકાર ટૂંક સમયમાં જ ખાનગી કંપનીઓ અને વિવિધ ઉદ્યોગ એસોસિયેશનો સાથે બેઠક યોજશે, જેથી ઉદ્યોગો અને કર્મચારીઓ બંનેને અનુકૂળ રહે તે રીતે નિર્ણય લઈ શકાય. મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણના વપરાશને ઘટાડવા માટે આ પદ્ધતિ અત્યંત અસરકારક સાબિત થઈ શકે તેમ છે.


વર્ચ્યુઅલ સરકારી કાર્યક્રમો અને ફ્યુઅલ બચત

ઈંધણની બચત કરવાની શરૂઆત સરકાર પોતાના સ્તરેથી જ કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હવે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના આઉટડોર સરકારી કાર્યક્રમોમાં ધરખમ ઘટાડો કરીને તેને વધુ પ્રમાણમાં વર્ચ્યુઅલ (ડિજિટલ) માધ્યમથી યોજવાની શક્યતા છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ હેલિકોપ્ટર અને સરકારી કાફલાના વાહનોમાં વપરાતા પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલની બચત કરવાનો છે. સરકારી કાર્યક્રમોને ડિજિટલ માધ્યમથી આયોજિત કરવા અંગે ઉચ્ચ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે, જેનાથી સમય અને સરકારી તિજોરી પર પડતો ખર્ચ બંનેમાં મોટી રાહત મળશે.


ડિજિટલ કાર્યપદ્ધતિ પર ભાર

શ્રમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા ઈંધણ બચત માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રોમાં ડિજિટલ માધ્યમથી કામકાજ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ તમામ ફેરફારોમાં વહીવટી નિયમો અને પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સરકારના આ સંકેતો બાદ આગામી સમયમાં ગુજરાતના કોર્પોરેટ જગતમાં ફરી એકવાર 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચર વેગ પકડે તેવી પૂરેપૂરી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application