અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા જમણવાર રણમેદાનમાં ફેરવાયોઃ અનેક લોહીલુહાણ

  • May 13, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા સિંધુ હોલમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં જમણવારની સામાન્ય બાબતે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે ખુશીનો અવસર લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો હતો. ભોજનમાં બિરયાનીને બદલે પુલાવ કેમ બનાવ્યો અને તે સ્વાદિષ્ટ કેમ નથી, તેવી સામાન્ય બાબતે વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે જોતજોતામાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષના લોકોએ રસોડાના સાધનો જેવા કે લોખંડના ઝારા, તાવેતા અને તીક્ષ્ણ છરીઓ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ હિંસક ધીંગાણામાં બંને પક્ષના અનેક લોકો લોહીલુહાણ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


દિલ્હીની રહેવાસી 23 વર્ષીય કન્યા કશિશ કછવાયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન વસ્ત્રાલના સાગર વાણી સાથે 12મી મેના રોજ થવાના હતા. 11મી મેની રાત્રે જ્યારે સિંધુ હોલ ખાતે જમણવાર ચાલી રહ્યો હતો, ત્યારે પુલાવના સ્વાદ બાબતે સામાન્ય વિવાદ થયો હતો, જે શરૂઆતમાં શાંત પડી ગયો હતો. પરંતુ મોડી રાત્રે આશરે એક વાગ્યે વરરાજા સાગર, તેનો ભાઈ અમૃત અને તેમના મિત્રોએ આ અદાવત રાખી ફરી ઝઘડો શરૂ કર્યો હતો. કશિશનો આરોપ છે કે અમૃતના મિત્રએ તેના પિતા પર છરી વડે હુમલો કર્યો હતો અને ચેતન નામના શખસે તેની કાકીને છરી મારી હતી. આ ધમાલમાં કન્યા પક્ષના પરિવારજનો સાથે મારપીટ કરવામાં આવી હતી અને કન્યાનું સોનાનું મંગળસૂત્ર, વીંટી તથા કાકીનો સોનાનો દોરો પણ ખોવાઈ ગયા હતા.


બીજી તરફ, વરરાજાના મિત્ર આકાશસિંહ પરિહારે કન્યા પક્ષ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, ઝઘડાની શરૂઆત કન્યાના ભાઈ રીતિકે કરી હતી. રીતિકે બિરયાનીને બદલે પુલાવ કેમ બનાવ્યો? તેમ કહીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. વર પક્ષનો દાવો છે કે જ્યારે તેઓ સમજાવવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા રીતિક અને તેના પિતાએ લોખંડના ઝારા અને મોટા તાવેતા વડે આકાશસિંહ અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.


આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગ્નના પવિત્ર અવસરે માત્ર ભોજનની બાબતે થયેલી આ હિંસક ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application