દેવભૂમિ દ્વારકા: સલાયામાં આવેલ ૧૫૦ વર્ષ જુના મીઠા પાણીના બે તળાવોની દયનીય સ્થિતિ

  • May 13, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: સલાયામાં આવેલ ૧૫૦ વર્ષ જુના મીઠા પાણીના બે તળાવોની દયનીય સ્થિતિ

ગાંડી વેલ તેમજ કચરાના ઢગલાનું સામ્રાજ્ય: સાફ સફાઈ કરી તળાવને ઊંડું ઉતારવા માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરમાં દરિયા કિનારાની નિકટતાને કારણે ભૂગર્ભ જળમાં પીવાલાયક પાણી ઉપલબ્ધ નથી. આ સમસ્યાના નિવારણ માટે વર્ષો પહેલા બે મીઠા પાણીના તળાવ બનાવવામાં આવ્યા હતા.

જો કે, હાલમાં આ તળાવોની સ્થિતિ અત્યંત દયનીય છે, જેમાં ગાંડી વેલ અને કચરાના ઢગલા જમા થયા છે, જેના કારણે ભૂગર્ભ જળમાં ખારાશ વધી રહી છે.આ બે તળાવો પૈકી એક હનુમાન મંદિર પાસે પગોળ તળાવથ તરીકે ઓળખાય છે, જ્યારે બીજું પાળેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલું મોટું તળાવ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ બંને તળાવોની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમાં મોટા પ્રમાણમાં લીલી ગાંડી વેલ ઊગી નીકળી છે અને લોકો દ્વારા કચરો નાખીને તેને ગંદકીથી ભરી દેવામાં આવ્યા છે.ગાંડી વેલના કારણે તળાવનું પાણી ઝડપથી સુકાઈ જાય છે.

હાલમાં આ બંને તળાવોમાં પાણી નથી, ફક્ત ગાંડી વેલ અને કચરાના ઢગલા જ જોવા મળે છે. તળાવોમાં પાણીનો સંગ્રહ ન થવાને કારણે સલાયામાં ભૂગર્ભ જળમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે, જેના પરિણામે કૂવામાંથી મળતું પાણી ન્હાવા કે કપડા ધોવા જેવા રોજિંદા કાર્યો માટે પણ યોગ્ય રહ્યું નથી.

આ તળાવો આશરે ૧૫૦ વર્ષ પહેલા (સંવત ૧૯૩૨) મહાનુભાવો દ્વારા ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે તેવા શુભ હેતુથી બંધાવવામાં આવ્યા હતા. તળાવની દિવાલમાં તે સમયનો એક શિલાલેખ પણ જોવા મળે છે, જે તેના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. ગ્રામજનો અને તંત્ર દ્વારા તેનું જતન થવું અત્યંત આવશ્યક છે.

સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, આવનારા ચોમાસા પહેલા આ બંને તળાવોમાંથી ગાંડી વેલ અને કચરાના ઢગલા દૂર કરીને સફાઈ કરવામાં આવે. જો તળાવોમાંથી કાંપ કાઢીને તેને ઊંડા ઉતારવામાં આવે તો વરસાદી પાણીનો સંગ્રહ વધુ સમય સુધી થઈ શકે છે અને સલાયા ગામના ભૂગર્ભ જળ સુધરી શકે છે. આ અંગે તંત્ર દ્વારા ઝડપથી પગલાં લેવાય તેવી અપેક્ષા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application