શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસો.નો મહત્વનો નિર્ણય : 14 અને 15 જૂન ઇન્ડસ્ટ્રીઝ રહેશે બંધ

  • June 13, 2023 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીપરજોય વાવાઝોડાને અનુલક્ષીને રાજકોટમાં આવેલી તમામ જીઆઇડીસીએ સ્વૈચ્છિક ધોરણે ઇન્ડસ્ટ્રીઝ બંધ રાખવાનો જ્યારે શહેરમાં આવેલી તમામ બજારોના વેપારીઓએ જો અને તો ની પરિસ્થિતિને ધ્યાને રાખીને બે દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય લેશે.


સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાની અસર પર્વતિ રહી છે જ્યારે તારીખ 14 અને 15 ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે વાવાઝોડું તારાજી સર્જશે તેવી આગાહીના પગલે તંત્ર દ્વારા આ બંને દિવસ શાળા અને કોલેજો બંધ રાખવા નો નિર્ણય લેવાયો છે તો સાથોસાથ રાજકોટની નજીક આવેલી તમામ જીઆઇડીસી શાપર વેરાવળ એસોસિએશન, લોધીકા જીઆઇડીસી,આજી જીઆઇડીસી, લોઠડા, હડમતાલા, પીપલાણા,કુવાડવા સહિત જીઆઇડીસી ના હોદ્દેદારો દ્વારા આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે તો સાથે સાથે વાવાઝોડાની અસર ગંભીર થવાની હોવાની આગાહીના પગલે બુધવાર અને ગુરુવાર આ બંને દિવસોમાં તમામ ઉદ્યોગો પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ રાખે તેવી સ્વૈચ્છિક ધોરણે અપીલ કરવામાં આવી છે.



શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરભાઈ પટેલ અને લોધિકાના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા એ આજકાલ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હવામાન ખાતાની ચેતવણીને લઈને ઉદ્યોગકારોને ચેતવ્યા છે તેમ જ સાવચેતીના પગલાં લેવા માટે તમામ સૂચનો સર્ક્યુલેટ કરી દેવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે સાપ્તાહિક રજા હોવાથી આમ પણ આ એક દિવસ તમામ ફેક્ટરીઓ બંધ રહેશે જ્યારે ગુરુવારે પરિસ્થિતિને આધીન ઉદ્યોગકારો પોતાની રીતે નિર્ણય લેશે.



જ્યારે રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી બજારોના પ્રતિનિધિ મંડળોએ જણાવ્યું હતું કે, કલેકટર તંત્ર દ્વારા કરાયેલી અપીલનો વેપારી સંગઠનો એ સ્વીકાર કર્યો છે. વાવાઝોડાની પરિસ્થિતિ કેવી રહે છે તેના પર વેપારીઓની મીટ છે. તંત્ર દ્વારા કરાયેલી અપીલના પગલે વેપારી સંગઠનો એ દુકાનદારોને મેસેજ મોકલીને સાવચેતીના ભાગરૂપે બજારો બંધ રાખવા માટે અપીલ કરી છે. રાજકોટ ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રણંદ કલ્યાણી, હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ અનડકટ, લાખાજીરાજ રોડ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ મહેતા, ગુંદાવાડી બજારના પ્રમુખ પંકજભાઈ બાટવિયા તેમજ રાજકોટ ક્લોથ મર્ચન્ટ એસોસિએશન, કોઠારીયા નાકા વેપારી એસોસિએશન, રેડીમેડ ગારમેન્ટ વેપારી એસોસિએશન ,કટલેરી વેપારી એસોસિએશન, દિવાનપરા ,સાંગણવા ચોક બજાર એસોસિએશનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, વરસાદી માહોલમાં આમ પણ બજારમાં મંદીનો માહોલ હોય છે, બુધવાર અને ગુરુવાર એ વાવાઝોડાની પરિસ્થિતિ વધુ ભયાનક બનશે તો આમ પણ દુકાનદારો પોતાની રીતે જ ધંધા રોજગાર બંધ રાખશે.



રાજકોટની સોની બજારમાં પણ ઝવેરીઓએ આ મુજબનો નિર્ણય લીધો છે તેમના જણાવ્યા મુજબ જો વધુ વરસાદ અને વાવાઝોડું ભયાનક બનશે તો સોની બજાર બંધ રહેશે નહીં તો પરિસ્થિતિને અનુરૂપ ઝવેરીઓ નિર્ણય લેશે તેઓ રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા તેમજ જેમ એન્ડ જ્વેલરી એસોસિએશનના જગદીશભાઈ ઝિંઝુવાડીયા અને મયુરભાઈ આડેસરાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application