દર્દીઓ માટે આશીર્વાદ રૂપ PMJAY યોજનામાં 11 જુલાઇથી મળશે 10 લાખની સહાય : સરકારની જાહેરાત

  • July 05, 2023 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ રાજ્યમાં ૧.૭૮ કરોડ આયુષ્માન કાર્ડ ધારકો


આયુષ્માન કાર્ડ સુવિધા વાળી રાજ્યમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ હોસ્પિટલ


PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા.૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લોકોને આયુષ્માન કાર્ડનો લાભ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ૧.૭૮ કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયું છે. હાલ ગુજરાતમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે.

રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મોટાભાગના લોકોને લાભાન્વિત કરવાનું આયોજન હાથ ધર્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ થી તા. ૨૬.૦૬.૨૩ સુધી અંદાજીત ૩૯ લાખ જેટલા ક્લેમ્સ આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂ. ૮,૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application