મારવાડી કોલેજના છાત્રને સહપાઠીઓએ બેફામ માર મારી અર્ધબેભાન કરી દીધો

  • February 11, 2023 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તને સરકાર તરફથી ફ્રી–શિપ કાર્ડ મળ્યું છે માટે અહીં અભ્યાસ કરશ નહીંતર તારી હેસીયત નથી કહી પરેશાન કરતા: ચાર સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો




શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરનાર ૨૦ વર્ષના વિધાર્થીને સહપાઠીઓએ મારમારી અર્ધબેભાન કરી દીધો હતો.યુવાનને સરકાર તરફથ ફ્રી–શીપ કાર્ડ મળ્યું હોય તે બાબતે તેની મજાક ઉડાવી આ છાત્રો પરેશાન કરતા હતા.દરમિયાન ગઇકાલે યુવાન ઘરે જતો હતો ત્યારે કાર આડી નાખી તેની અટકાવી મારમાર્યેા હતો.આ અંગે પોલીસે ચાર સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.





બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના નવા થોરાળા વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક શેરી નંબર ૩ માં રહેતા અને મારવાડી કોલેજમાં આઈ.ટી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરનાર દર્શિત હરેશભાઈ મકવાણા(ઉ.વ ૨૦) નામના વિધાર્થીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોલેજમાં પોતાની સાથે અભ્યાસ કરનાર સુજલ અશોકભાઈ નરોડિયા, નંદનકુમાર ગામી, પૂર્વ અને એક અજાણ્યા વિધાર્થીનું નામ આપ્યું છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ એક માસ પૂર્વે હત્પં કલાસમાં હતો ત્યારે કલાસમાં મારી સાથે અભ્યાસ કરનાર સુજલ અને નંદને મારી સાથે બોલાચાલી કરી કહેતા હતા કે તને સરકાર તરફથી ફ્રી શિપ કાર્ડ મળેલ છે જેથી અહીં અભ્યાસ કરો છો નહીંતર આ કોલેજમાં અભ્યાસ કરવાની તમારી હેસીયત નથી તેમ કહી બોલાચાલી કરી હતી. પરંતુ જે તે સમયે યુવાને આ બાબતે ઘરે કોઈને કઈં કહ્યું ન હતું.





દરમિયાન ગુવારે યુવાન કલાસ બહાર ઉભો હતો ત્યારે પૂર્વ ત્યાંથી નીકળ્યો હતો અને યુવાનને પાટુ મારી પાડી દેવાની કોશિશ કરી હતી. બાદમાં આ પૂર્વએ પૂછયું હતું કે તું કયા કલાસમાં અભ્યાસ કરે છે તેમ કહી બોલાચાલી કરી હતી. બાદમાં બપોરના એકાદ વાગ્યા બાદ યુવાન જમવા માટે કેન્ટીનમાં જતા ત્યારે પૂર્વ તથા સુજલ તેની પાસે આવ્યા હતા અને માર મારવાની ધમકી આપવા લાગ્યા હતા.



બાદમાં ગઈકાલ સવારના યુવક કોલેજે ગયો હતો ત્યારે કલાસમાં સુજલ નંદન બંને તેની મજાક કરવા લાગ્યા હતા. જેથી યુવક કોલેજમાંથી  નીકળીને થોડી દુર ઉભો રહેતા ૧૦:૩૦ વાગ્યા આસપાસ સુજલ કાર લઈને આવ્યો હતો યુવક એકિટવા લઇ જતો હોય દરમિયાન સૂઝલે કાર આડી નાખી તેને અટકાવ્યો હતો બાદમાં કારમાંથી સુજલ અને નંદન તથા તેના બે મિત્રો પૂર્વ અનેક અજાણ્યો વિધાર્થી ચારેય ઉતર્યા હતા અને યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા તેમજ યુવકને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા અને કહેતા હતા કે આજે તો તને મારી જ નાખવો છે.





મારના લીધે યુવાન અર્ધ બેભાન થઈ ગયો હતો બાદમાં આ ચારેય શખસો અહીંથી જતા રહ્યા હતા યુવક ભાનમાં આવતા એકિટવા લઇ કોર્ટમાં નોકરી કરનાર પિતા પાસે ગયો હતો અને બનાવ બાબતે વાત કરી હતી. બાદમાં પિતા પુત્ર મારવાડી કોલેજ ગયા હતા અને એચઓડીને મળ્યા હતા અને સમગ્ર બનાવવાની વાત કરી હતી. યુવકને દુખાવો થતો હોય જેથી તેને ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવતા વિધાર્થીની ફરિયાદ પરથી પોલીસે તેના સહપાઠી સુજલ, નંદન, પૂર્વ અનેક અજાણ્યા વિધાર્થી સામે આઇપીસીની કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application