ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ

  • September 20, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાટિયામાં પરપ્રાંતિય શ્રમિકનું વીજ શોકના કારણે અપમૃત્યુ: કુરંગા ગામે પરપ્રાંતિય યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો


ખંભાળિયા - દ્વારકા માર્ગ પર ગત સાંજે એક છોટા હાથી વાહન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છોટા હાથી વાહનમાં બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, જયારે ભાટિયામાં એક પરપ્રાંતિય શ્રમિકનું વીજ શોકના કારણે અપમૃત્યુ નીપજ્યું છે, તેમજ દ્વારકાના કુરંગા ગામે એક પરપ્રાંતિય યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા સારવારમાં તેનું મોત થયું હતું.


આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર વડત્રા ગામ પાસે આવેલી હોટલ પાસે ટાટા કંપની મીઠાપુરમાં સિમેન્ટના પાઈપ ઉતારીને પરત આવી રહેલા જી.જે. 36 ટી. 4643 નંબરના એક ટ્રકના ચાલક લીલાભાઈ હરભમભાઈ અમર (ઉ.વ. 57, રહે. રાણાવાવ) ના ટ્રક સાથે જી.જે. 27 ટી.ટી. 7353 નંબરના એક કેરી છોટા હાથી વાહનના ચાલક જયરામ ભીખાભાઈ ભરવાડે પોતાનું વાહન પૂરઝડપે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવતા ટ્રક સાથે પાછળના ભાગે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.


આ અકસ્માતમાં તેની સાથે બેઠેલા દેવાભાઈ બાથાભાઈ ભરવાડનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પોતાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં મૂઢ ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મેર લીલાભાઈ અમરની ફરિયાદ પરથી જયરામભાઈ ભીખાભાઈ ભરવાડ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હિકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ. એચ. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.


ભાટિયામાં પરપ્રાંતિય શ્રમિકનું વીજ શોકના કારણે અપમૃત્યુ

મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લાના મૂળ વતની અને હાલ ભાટિયા ગામે રહી અને મજૂરી કામ કરતા આકાશ સંતોષભાઈ ભુરીયા નામના 19 વર્ષના યુવાનને ગત તા. 16 ના રોજ ભાટિયામાં આવેલી એક ફેક્ટરીમાં મજુરી કામ કરતી વખતે ઇલેક્ટ્રીક મોટરને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંતોષભાઈ ભુરીયા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે.


કુરંગા ગામે પરપ્રાંતિય યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી એક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં રહેતા અને દેવટીયા જિલ્લાના અહિરોલી ગામના મૂળ વતની જયરામ ઇન્દર યાદવ (ઉ.વ. 49) ને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ દ્વારકા પોલીસમાં કરાઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News