ધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા

  • November 22, 2024 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગુરુવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. આવી સ્થિતિમાં આ બંને નેતાઓની વિશ્વના ઘણા દેશોમાં અટકાયત થવાનું જોખમ વધી ગયું છે. પરંતુ આ દરમિયાન હમાસે ઈઝરાયેલી સેના પર મોટો હુમલો કર્યો. હમાસે 15 ઈઝરાયેલ સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.


હમાસે મોટો દાવો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેની સૈન્ય બ્રિગેડ અલ-કાસમના લડવૈયાઓએ ઉત્તર ગાઝાના બીત લાહિયામાં લગભગ 15 ઇઝરાયેલી સૈનિકોને મારી નાખ્યા હતા. એક અખબારી નિવેદનમાં અલ-કાસમ બ્રિગેડસે જણાવ્યું હતું કે તેના લડવૈયાઓએ ઇઝરાયેલી પાયદળ એકમને નિશાન બનાવ્યું હતું. આ સિવાય ઉત્તરી ગાઝામાં જબાલિયા કેમ્પના પશ્ચિમમાં સફ્તાવી વિસ્તારની નજીક ઈઝરાયેલની મર્કવા ટેન્કને પણ નિશાન બનાવવામાં આવી છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆએ આપી છે.


બીજી તરફ ઇસ્લામિક જેહાદ મૂવમેન્ટની સશસ્ત્ર પાંખ અલ-કુદ્સ બ્રિગેડનું કહેવું છે કે તેણે સેન્ટ્રલ જબાલિયા કેમ્પમાં જબાલિયા સર્વિસ ક્લબ નજીક ઇઝરાયલી સૈનિકો અને વાહનોના એકત્રને 60 એમએમ મોર્ટાર શેલ વડે નિશાન બનાવ્યું હતું. જો કે ઈઝરાયેલની સેનાએ આ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


યુદ્ધમાં 44 હજાર લોકોના મોત

ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદથી બંને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 44,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. 7 ઓક્ટોબરે હમાસના 2500થી વધુ આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં 1200 ઈઝરાયલીઓએ જીવ ગુમાવ્યા હતા. 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News