બિપરજોય વાવાઝોડાને લઇને રાજકોટ મનપા એલર્ટ : સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને ખસેડાયા સલામત સ્થળે

  • June 13, 2023 11:30 AM 


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે સાવચેતીરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં જુદીજુદી શાખાઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવી રહી છે. જાન-માલને નુકશાન થતું અટકાવવા માટે ઉંચાઈ પર રહેલા હોર્ડિંગ ઉતરાવવા, મકાનની છત પર રહેલા પતરા ઉતરાવવા, વોર્ડ વાઈઝ ભયગ્રસ્ત બાંધકામોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, સ્થળાંતરિત થનાર લોકો માટે આશ્રય અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, વોર્ડ વાઈઝ ટેકનીકલ સ્ટાફની ક્વિક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવા તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અંગેની જરૂરી માહિતી આપવા માટે માઈક દ્વારા એનાઉન્સમેન્ટ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 


રાજકોટ મહાનગરપાલિકાની કુલ ૧૨૨ ટીમોની રચના કરી ફીલ્ડ વર્ક માટે તૈનાત કરી દેવામાં આવી છે. તા.૧૪ અને તા.૧૫ જુનના રોજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની ૯૨ પ્રાથમિક શાળાઓ અને કુલ ૩૬૪ આંગણવાડીઓ બંધ રાખવામાં આવશે.


રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરમાં પીવાના પાણીના પુરવઠાનું વિતરણ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે તમામ પમ્પીંગ સ્ટેશન ખાતે જનરેટર સેટ અને ડીઝલના પુરતા સ્ટોકની વ્યવસ્થા કરી લેવામાં આવેલ છે.


એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા હાલ ૧૯૫૦ બોર્ડ/બેનરો ઉતારી લેવામાં આવ્યા છે અને ૪૦ જેટલા હોર્ડિંગ જે-તે એજન્સી મારફત ઉતરાવી લેવામાં આવ્યા છે અને હાલ પણ આ કામગીરી ગતિવંત છે.


રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરની ૨૧૦ કન્સ્ટ્રકશન સાઈટ ખાતે બે દિવસ બાંધકામ કામગીરી બંધ રાખવા સુચના આપવામાં આવી છે. તેમજ બાંધકામ કામગીરી કરતા શ્રમિકોને જરૂરિયાત જણાય તો સલામત સ્થળે લઈ જવા અને ભોજનની વ્યવસ્થા કરી આપવા પણ સુચના આપેલ છે. બાંધકામ સાઈટ ખાતેના બોર્ડ બેનરો તેમજ બાંધકામના માચડા ઉતારી લેવા જણાવવામાં આવેલ છે.


વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી આરોગ્ય શાખા દ્વારા જીવનરક્ષક દવાઓનો પુરતો સ્ટોક સુનિશ્ચિત કરી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૩ આરોગ્ય કેન્દ્રોમાં મેડીકલ ઓફિસર સહિતની ઇમરજન્સી ટીમની રચના કરવામાં આવ્યો છે. રાજકોટમાં સગર્ભા બહેનો તેમજ હાઈરિસ્ક ધરાવતા સગર્ભા બહેનો એમ કુલ ૨૪૭ જેટલા સગર્ભા બહેનોની પ્રસુતિની સંભવિત તારીખ ૧૨ થી ૧૫ જુન હોઈ તેઓને પ્રસુતિ માટે ખાનગી/સરકારી હોસ્પિટલે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી લેવામાં આવ્યો છે. સાથોસાથ સરકારી હોસ્પિટલ તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ઇમરજન્સી મેડીકલ સારવાર મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સંકલન કરવામાં આવ્યું છે.  


ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી હોવાના અનુસંધાને જંગલેશ્વર, થોરાળા, મંછાનગર, ભગવતીપરા, પોપટપરા,છોટુનગર, લલુળી વોકળી, લોહાનગર, છોટુનગર હનુમાન મઢી પાસે, રામનાથ પરા, ભગવતીપરા, કુબલીયાપરા, ભવાની નગર, કીટીપરા, રૂખડીયાપરા નરસંગપરા તેમજ નદી કાંઠ્ઠાના વિસ્તારમાં માઈકથી એનાઉન્સમેન્ટ કરી લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે તેમજ જરૂર જણાયે નજીકની સ્કૂલ ખાતે સ્થળાંતર થઇ શકે તે અંગેની જાણકારી આપવામાં આવી છે.


વિશેષમાં, સદર બજારમાં ભયજનક જણાયેલ બાંધકામ દુર કરવા GPMC actની કમલ ૨૬૮ હેઠળ નોટિસ આપવામાં આવી છે દરમ્યાન પરસાણાનગર-૩માં ભયજનક દીવાલની ડિમોલિશન કરવામાં આવેલ. વોર્ડ નં.૧૫માં આવેલ સ્લમ વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલુ છે જેમાં મકાન ઉપરના છાપરા, પતરા તેમજ અન્ય માલસામાન સલામતરીતે નીચે ઉતારવામાં આવી રહ્યો છે. વોર્ડ નં.૧૬માં નવદુર્ગા સોસાયટી-૭માં મકાનના ફળિયામાં નાખેલા છાપરા / પતરા તેમજ અગાસી પરના પતરા દુર કરવાની કામગીરી ચાલુ છે. પુનીતનગર સોસાયટી મેઈન રોડ પરથી પણ જે છાપરા ઉડે તેવી શક્યતા જણાતી હતી તેને દુર કરવામાં આવી રહ્યા છે.
​​​​​​​


વિશેષમાં, વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિ દરમ્યાન જે લોકોનું સ્થળાંતર કરવાનું થાય તેઓ માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે વિવિધ NGO (સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ) સાથે સંકલન કરવામાં આવ્યું છે. ઉપરાંત મધ્યાહન ભોજન યોજનાના આધુનિક કિચન મારફત પણ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવશે.


વાવાઝોડા અને ભારે વરસાદ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ ક્વિક રિસ્પોન્સ ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. આ ટીમમાં વોર્ડ એન્જી., વોર્ડ ઓફિસર તેમજ ટેકનીકલ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા આજે પોતપોતાના વોર્ડમાં જર્જરિત અને ભયગ્રસ્ત મિલકતોનો સર્વે કરી અસરગ્રસ્તોને જરૂરત જણાયે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેમજ ભારે વરસાદ અને ભારે પવનને કારણે નુકશાન કરી શકે તેવી સંભાવના દેખાય તો તેવા હોર્ડિંગ તેમજ અન્ય વસ્તુઓ દુર કરવા સંબંધિતને જાણ કરવામાં આવશે.
 
વાવાઝોડા પહેલાની સાવચેતી

• અફવા ફેલાવશો નહિ, શાંત રહો, ગભરાટ કરશો નહિ.
• રહેઠાણની મજબૂતીની ખાતરી  કરી લો અને બાંધકામને લગતી ક્ષતીઓ દુર કરો.
• સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
• આપના રેડિયો સેટને ચાલુ હાલતમાં રાખો.
• જો જોખમી વિસ્તારમાં રહેતા હોય તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું સલાહભર્યું છે.
• આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો.
• વાવાઝોડાની સુચના મળતા બીમાર વ્યક્તિ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાતેક દિવસ ચાલે તેવી વ્યવસ્થા રાખો.
• અગત્યના ટેલીફોન નંબર મોબાઈલમાં સાચવીને રાખો.


ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકોમાં વાવાઝોડા અને તેની અસરો તેમજ સલામતીના પગલા વિશે ચર્ચા કરો જેથી કટોકટીના સમયે કોણે શું કરવું તેનું જ્ઞાન રહે. આમ કરવાથી ભય દુર થશે અને આપત્તિ સમયે ઝડપથી સલામતી ભર્યા પગલા લેવાની સૂઝ વિકસશે.


વાવાઝોડા દરમ્યાનની સાવચેતી

• જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય લેશો નહિ.
• રેડિયો પર સમાચાર સંભાળતા રહો અને સુચનાઓનો અમલ કરો.
• વાવાઝોડા સમયે બિનજરૂરી મુસાફરી ટાળો.
• બહુમાળી મકાનો ઉપર રહેવાનું ટાળો.
• ઘરની બહાર હોય તો વીજળીના તાર, થાંભલા કે વીજ ઉપકરણોને અડશો નહિ.
• વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ રાખો.
• વાહન પર હોય તો નજીકના સલામત સ્થળે ઉભા રહી જાવ
• અફવાઓથી દુર રહો અને સાચી માહિતી મેળવો
• તમારાથી બનતી મદદ અન્યને કરો.

 વાવાઝોડા બાદની સાવચેતી

• જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય લેશો નહિ, નુકશાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ ન કરો.
• અન્ય અસરગ્રસ્તોની મદદ કરો.,ઘર સલામત હોય તો ઘરમાં જ રહો.
• બહાર નીકળતા પહેલા વાવાઝોડું પસાર થઈ ગયું છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવું.
• સ્થાનિક અધિકારીઓની સુચના મુજબ વર્તો.
• રેડિયો કે ટીવી ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશ મળે ત્યાં સુધી રાહ જુવો.
• તૂટેલા વીજળીના તાર, પુલ તથા મકાનોના માળખામાંથી બચો અને ચેતો.
• કાટમાળ, કાચના ટુકડા, સાપ જેવા ઝેરી જીવજંતુથી સાવધાન રહો.
• પૂરગ્રસ્ત વિસ્તારોથી દુર રહો.
• વીજળીના ઉપકારણો ભીના હોય તો ઉપયોગ કરવાનું ટાળો. વીજળીના સાધનને નુકસાન થયું હોય તો
મેઈન સ્વીચ બંધ રાખવી અને અધિકૃત વ્યક્તિને બોલાવી સમારકામ કરાવવું.
• ગેસ કનેક્શન લીકેજ નથી તે ચકાસી જુઓ જો લીકેજનો ખ્યાલ આવે તો બારીઓ ખોલી મકાનની
બહાર આવી જાઓ.
•  જો સ્થળાંતર કરેલ હોય તો સુચના મળે ત્યારે જ અને સુચના મુજબના રૂટ પરથી જ પાછા ફરવાનું રાખો.
• પીવાના પાણીને ઉકાળીને જંતુરહિત કરવું ત્યારબાદ ઉપયોગ કરવો.
• બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડના ફોન નંબર ૧૦૧, ૧૦૨, ૦૨૮૧-૨૨૨૭૨૨૨, ૨૨૫૦૧૦૩, ૪,૫,૬,૭,૮,૯, નો સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application