મત્સ્યોદ્યોગ માટે રૂ.૧,૪૧૮ કરોડથી વધુની જોગવાઈ : રાઘવજી પટેલ

  • March 16, 2023 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સલામત,આધુનિક અને નફાકારક મત્સ્યોદ્યોગનાં સર્વાંગી વિકાસ માટે ર૦૨૩-૨૪ના બજેટમાં વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ કુલ ૬૧.૨૪ ટકાનાં વધારા સાથે કુલ રૂ.૧,૪૧૮.૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ વિભાગની માંગણીઓ પર મત્સ્યોદ્યોગ  રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. 


ભારતમાં ગુજરાત સૌથી વધુ ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે ત્યારે આ વિશાળ દરિયા કિનારાના ૧૪ જિલ્લાઓના ૨૬૦ દરિયાઈ ગામો તેમજ આંતરદેશીયના ૭૯૮ ગામો મળીને કુલ ૧,૦૫૮ ગામો  મત્સ્ય પાલન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો માછીમાર ભાઇઓ-બહેનોનું જીવનધોરણ ઉંચુ લાવવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે તેમ રાઘવજી પટેલે કહ્યું હતું.


 પટેલે બજેટમાં મત્સ્યોદ્યોગ વિભાગની કરેલી જોગવાઇઓ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાતના માછીમારો સ્વસ્થ્ય રીતે માછીમારી કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે વૈશ્વિક કક્ષાની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા સૌથી વધુ  કુલ રૂ. ૬૪૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નાના મત્સ્ય કેન્દ્રોના આધુનિકરણ તેમજ નવાબંદર, માંગરોળ ફેઝ-૩, વેરાવળ ફેઝ-૨, માઢવાડ અને સુત્રાપાડા ખાતે આમ કુલ પાંચ મોટા અને આધુનિક મત્સ્યબંદરો બનવવાની કામગીરી તેમજ ફ્લોટિંગ જેટી જેવી નવી આધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવશે.  


આ ઉપરાંત દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે  ર૦ મીટરથી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓમાં વપરાતાં હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેરા રાહતની યોજના માટે રૂ. ૪૪૩.૪૪ કરોડ, નાની ઓ.બી.એમ. બોટ ધારકોને વાર્ષિક ૧,પ૦૦ લીટરની મર્યાદામાં રૂ. ૫૦/- પ્રતિ લિટર લેખે કેરોસીન/પેટ્રોલ ઉપર સહાય ચૂકવવા માટે રૂ. ૧૦ કરોડ તેમજ દરીયાઇ મત્સ્યોદ્યોગના વિકાસ હેતુ વિવિધ સહાયકી ઘટકો માટે રૂ. ૪૮.૧૨ કરોડ, માછીમાર અકસ્માત/અપહરણ તથા મૃત્યુ સમયે સહાય માટે રૂ. ૦.૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું. 


મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આંતરદેશીય મત્સ્યોદ્યોગના વિકાસ માટે સામાન્ય લાભાર્થીઓ માટે રૂ. ૩૬.૩૦ કરોડ, અનુસુચિત જન જાતિના લાભાર્થીઓ માટે રૂ. ૨૩.૭૩ કરોડ, અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે રૂ. ૨.૦૨ કરોડ તેમજ ભાંભરાપાણી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રૂ. ૭.૬૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે તેવા હેતું સાથે બજેટમાં રૂ. ૧૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 


મત્સ્યોદ્યોગ ક્ષેત્રે લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે લાભ મળી રહે તેમજ રાજ્યની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી મત્સ્યોદ્યોગ ખાતામાં અરજીથી નાણાકીય લાભ ચૂકવવા સુધીનું સંપૂર્ણ પેપરલેસ, ઓનલાઈન બોટ-ટોકન, ઓનલાઈન બોટ-રજીસ્ટ્રેશન, ડીઝલ વેટ રાહતનું સોફ્ટવેર મારફત ઓનલાઇન ચૂકવણું જેવી નવતર પહેલ પણ મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા કરવામાં આવી છે તેમ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું.  મત્સ્યોદ્યોગ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application