હરીપર મેવાસાના વેપારી પર હુમલો કરી બંદુકની અણીએ ધમકી

  • March 01, 2023 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના ધુનધોરાજી ગામ પાસે બોલેરો કાર બાઇક સાથે અથડાવીને આઘેડને નીચે પછાડી દઇ, પાઇપ વડે હુમલો કરી, જીવલેણ ઇજા પહોચાડી હતી તેમજ બંદુક તાકીને મારી નાખવાની ધમકી દીધાની હરીપર મેવાસાના શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરીયાદીના પુત્રએ મોબાઇલમાં કરેલા મેસેજ બાબતનું મનદુ:ખ રાખીને ગામ છોડી દેવાની ધમકી દઇને આ હુમલો કરાયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.


કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા ખેતી અને વેપાર કરતા અનવરભાઇ હાજીભાઇ મથુપોત્રા ઉ.વ.૫૦ નો પુત્ર ઇકબાલ અને આરોપીની પુત્રી બંને એકબીજાને મોબાઇલમાં મેસેજ કરતા હોય, જે બાબતની યુવતિના પિતાને ખબર પડી જતા તેણે આ બાબતે ફરીયાદીને ગામ છોડીને જતુ રહેવાનું કહયુ હતું અને જો નહીં જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


દરમ્યાનમાં આ બાબતનું મનદુ:ખ ચાલતુ હોય, ગત તા. ૨૮ના બપોરના સુમારે આરોપી યુનુસ તેની બોલેરો ફોરવ્હીલ ગાડી લઇને ધુનધોરાજી ગામ રોડ પર સામેથી આવી ફરીયાદી અનવરભાઇને જાનથી મારી નાખવાના ઇરાદે બોલેરો ફરીયાદીની બાઇક સાથે ભટકાડી જમીન પર પછાડી દીધા હતા તેમજ અપશબ્દો કહયા હતા ઉપરાંત પાઇપ વડે હુમલો કરીને અનવરભાઇને બંને પગમાં ઇજાઓ પહોચાડી હતી, આ ઉપરાંત આરોપીઓએ પોતાની પાસે રહેલી બંદુક ફરીયાદીની સામે તાકીને જાનથી મારી નાખવાની ધમકી દઇ હથીયારબંધી અને જાહેરનામાનો ભંગ કર્યો હતો. 


આ અંગે અનવરભાઇ મથુપોત્રા દ્વારા મોડી રાત્રીના કાલાવડ ગ્રામ્ય પોલીસમાં હરીપર મેવાસાના યુનુસ તૈયબની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), જીપીએકટ ૧૩૫(૧) તથા આર્મ્સ એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જે અંગે પીએસઆઇ એચ.વી. પટેલ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application