જી.જી. હોસ્પિટલમાં ન્યુરો સર્જનની ભરતી અંગે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા હેમંત ખવા

  • March 28, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર લાલપુર વિધાનસભા મત વિસ્તારના લોકોની સમસ્યા અને સુવિધાની માંગ આ વખતના બજેટ સત્ર દરમ્યાન વિધાનસભામાં બમણી તાકાતથી ગાજી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ આરોગ્ય, શિક્ષણ સહિતની લોકોની પ્રાથમિક જરુરિયાતથી માંડી રોડ, રસ્તા રમતગમત સહિતની સુવિધા મામલે સંબંધિત વિભાગના મંત્રીઓને સવાલ કરી વિસ્તારનાલોકોનો અવાજ બુલંદ બનાવ્યો હતો. આ દરમ્યાન તેઓએ વિધાનસભામાં જામનગરની જીજી હોસિપટલમાં ન્યુરોસર્જનની ભરતી કરવા, જામજોધપુર, લાલપુરના જીઆઇડીસીની સ્થાપના કરવાઅને વિધાનસભામાં શહીદવીરોના તૈલચિત્ર લગાવવા તથા પોતાના મત વિસ્તારના ૩૮ માર્ગોને ડામરથી મઢવા સહિતની માંગ ઉઠાવી છે.


વિગતવાર ચર્ચા કરવામાં આવે તો ધારાસભ્યએ વિધાનસભાં આરોગ્ય મંત્રી સમક્ષ માંગ કરતા જણાવ્યું કે જામનગર સહિત સૌરાષ્ટ્રના દર્દીો માટે વરદાનરૂપ ગણાતી જામનગરની જીજી હોસિપટલમાં ન્યુરોસર્જનની ભરતી કરવી જરૂરી છે. હેમંતભાઇએ જણાવ્યું કે, જીજી હોસિપટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી દર્દીઓ સારવાર અર્થે આવેછે. જયાં ન્યુરોસર્જનની ઘટ હોવાથી દર્દીઓને દર દર ભટકવું પડે છે. પ્રજાની પરેશાની પારખી ન્યુરોસર્જનની તાત્કાલીક ભરતી કરવી જરૂરી બની હોવાનું રજુઆત કરી હતી. વધુમાં બજેટસત્ર દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય દ્વારા એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં કેટલું મહેકમ મંજુર છે એને કેટલી જગ્યાઓ ખાલી છે ? તે મામલે પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેને જવાબમાં એમપીશાહ મેડીકલ કોલેજમાં એકથી ચાર વગૃમાં કુલ ૭૧૮ મંજુર મહેકમ છે. જેની સામે ૫૧૮ જગ્યાઓ ભરાયેલ છે. ઉપરાંત ૨૦૦ જગ્યાઓ ખાલી હોવાનું સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે. ત્યારે પેટા સવાલમાં ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ ખાલી મહેકમ વહેલી તકે પૂર્ણ કરવા ભરતી યોજવા માંગ ઉઠાવી છે.


વધુમાં ઉદ્યોગમંત્રીના જવાબમાં સતાવાર રીતે જાહેર થવા પામ્યું કે જામનગર જિલ્લામાં નાના અને લઘુ તેમજ મઘ્યમ એકમોની કુલ ૨૭૯૯૩ સંખ્યા નોંધાયેલી છે. જેમાં ૨૬૬૬૨ નાના એકમો છે. જયારે ૧૨૨૫ લઘુ ઉદ્યોગો તથા મઘ્યમ કદના ૧૦૬ ઉદ્યોગો સરકારી ચોપડે નોંધાયા છે. આ મામલે હેમંતભાઇ ખવાના પ્રશ્ર્નમાં સામે આવ્યું કે જામજોધપુર અને લાલપુરમાં એક પણ અરજી આવી નથી અને ચુકવણાં પણ કરાયા નથી. જેનો સીધો મતલબ એ થાય કે જામજોધપુર લાલપુર વિસ્તારમાં એક પણ નવો ઉદ્યોગ શરુ થયો નથી. આ વિસ્તારના લોકો મોટાભાગે ખેતી પર નિર્ભર હોવાથી રોજગારીની તકો નહિવત છે. પરિણામે લોકો શહેર તરફ આકર્ષાય છે. આથી ગામડાના બચાવવા માટે આ વિસ્તારમાં જીઆઇડીસીની સ્થાપના કરી રોજગારીનું સર્જન કરવામાં આવે તેવી પણ ધારાસભ્યએ માંગ ઉઠાવી હતી.


તે જ રીતે દેશની આઝાદી કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર શહીદ વીર ભગતસિંહજી, સુખદેવજી અને રાજયગુરુના જીવનમાંથી આજની યુવા પેઢીને પ્રેરણા મળે તેવા ભાવ સાથે શહીદવીરોના તૈલચિત્રને વિધાનસભામાં લગાવવા અંગે પણ ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ માંગ ઉઠાવી હતી.


રોડ રસ્તા મામલે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવી હેમંતભાઇએ જણાવ્યું કેલાલપુર જામજોધપુર વિસ્તારમાં લગભગ ૩૮ જેટલા રસ્તાઓ સાત વર્ષ કે તેથી વધુસમયથી રિકાર્પેટ થયા નથી. પરિણામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આથી સણોસરા, ઘેલડા, મોટા વડીયા અને વસંતપુર માર્ગ તેમજ લાલપુરથી રીંજપર અને ચોરબેડીને જોડતો માર્ગ અને પડાણાથી રંગપર અને દલતુંગીને જોડતા માર્ગને પંચાયત વિભાગ પાસેથી લઇ અને સ્ટેટ વિભાગને સોંપી મજબૂત રીતે રીપેરીંગ કરવામાં આવે તે સહિતની માંગ તથા બાકીના તમામ રસ્તાઓને પણ નવું ‚પ આપવા અંગે અંતમાં હેમંતભાઇ માંગ ઉઠાવી છે. નોંધનીય છે કે આ અગાઉ લાલપુર, જામજોધપુરના આવા સંખ્યાબંધ પ્રશ્ર્નો વિધાનસભામાં ચર્ચાયા ન હોવાથી આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઇ ખવાની કામગીરીથી લોકો પણ રાજીપો વ્યકત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application