દ્વારકા કોરીડોરનું કામ ઝડપથી આગળ વધારાશે: મુખ્યમંત્રી 

  • March 13, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આધ્યાત્મિક ચેતનાને લોક સેવાની ચેતના સાથે જોડીને બહુજન સુખાય બહુજન હિતાયનો મંત્ર ચરિતાર્થ કરવો છે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરીને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત ના મંત્રને સાકાર કરીએ:  ભૂપેન્દ્ર પટેલ



આગામી દિવસોમાં દ્વારકા કોરીડોરનું કામ ઝડપથી આગળ વધારવામાં આવશે, રાજય સરકાર તમામ તિર્થ ધામોનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે નેમ ધરાવે છે તેમ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રવિવારે દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં હાજરી આપીને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. 


 મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં  આપણે જી-૨૦ સમિટ ની યજમાની કરી રહ્યા છીએ. તેમાં પણ વસુધૈવ કુટુંબકમની થીમ રહેલી છે. આજ સમયે દ્વારકામાં વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાય રહ્યો છે તેમાં પણ બહુજન સુખાય બહુ જન હિતાય સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે  તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.



સર્વના કલ્યાણની પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોક સેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવું છે. એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના દિશા દર્શનમાં આત્મા નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતની નેમને સાકાર કરવા સાંસ્કૃતિક વિરાસતો ને ઉજાગર કરીને સંતો મહંતોના આશીર્વાદથી આપણે લોક કલ્યાણના કાર્યો કરવા છે.


ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું. આ તકે શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત માધવાચાર્યજી મહારાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકા હોટેલ એસોશીએશન, વેપારી એસોશીએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

​​​​​​​
કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા મહંતશ્રી નરસિંહદાસજી મહારાજ - ધ્રોલ, જગતગુરુ મહંતશ્રી અયોધ્યાચાર્યજી મહારાજ હરિદ્વાર, મહંતશ્રી ૧૦૦૮ દિલીપદાસજી મહારાજ, અમદાવાદ સહિતના મહંતો, કલેકટર એમ.એ .પંડ્યા અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application