શ્રમિકોના લાભાર્થે વધુ ૨ ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટર

  • February 21, 2023 12:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે ધન્વંતરી આરોગ્ય રથ યોજના અમલમાં છે ત્યારે, શ્રમયોગીઓ માટે કલ્યાણકારી પગલારૂપે જામનગર જિલ્લામાં એક રથ કાર્યરત હતો અને નવા બે રથનો ઉમેરો થતાં કુલ ૩ ધન્વંતરી આરોગ્ય ફાળવવામાં આવ્યા છે. 


ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને બાંધકામ સાઈટ, કડિયાનાકા અને બાંધકામ વસાહત ઉપર વિનામુલ્યે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જામનગર કલેક્ટર ડો.સૌરભ પારધીએ લીલી ઝંડી બતાવી ધન્વંતરિ આરોગ્ય રથનું કલેકટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું તથા નવીન ધન્વંતરી આરોગ્ય રથમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓનુ નિરીક્ષણ કર્યું હતું.


આ પ્રસંગે કલેક્ટરએ દરેક શ્રમયોગી આરોગ્યપ્રદ રહે તે માટે આ રથ જામનગર જિલ્લામાં ચાલતી દરેક બાંધકામ સાઈટને આવરી લે તે માટે નક્કર આયોજન કરવા તથા આ યોજનાનો લાભ મહતમ લોકો સુધી પહોંચે તે માટે જરૂરી પરામર્શ કરવા સંબંધિત અધિકારીઓને સૂચિત કર્યા હતા. 


જામનગર જિલ્લાનાં ધન્વંતરી આરોગ્ય રથની વિગતો આપતા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાંધકામ શ્રમયોગીઓ માટે શરૂ કરેલી ધન્વંતરી આરોગ્ય રથ સેવા અંતર્ગત જામનગરમાં હાલ ૧ ધનવંતરી રથ કાર્યરત છે. જેમાં નવા બે ધનવંતરી રથનો ઉમેરો કરવામાં આવ્યો છે. જામનગર શહેરના બે કડિયા નાકા અને  શહેરની આજુબાજુના ક્ધસ્ટ્રક્શન સાઇટસને રથ દ્વારા સેવા અપાતી હતી. નવા બે રથનો ઉમેરો થતાં હવે જામનગર જિલ્લાના તાલુકા લેવલે પણ બાંધકામ શ્રમીકોને નિ:શુલ્ક આરોગ્યની સેવાઓનો લાભ મળી શકશે.
​​​​​​​
આ લોકાર્પણ પ્રસંગે અધિક કલેક્ટર બી.એન.ખેર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર અંકુર રાજ્યગુરુ, ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ ૧૯૬૨ના પ્રોગ્રામ મેનેજર પંકજ મિશ્રા, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકી, ઈ.એમ.ઈ. જયદેવસિંહ જાડેજા,  પ્રોજેકટ કો-ઓર્ડીનેટ રમેશ સોયા અને જય રતનપરા સહીતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application