મોટામવા-રૈયામાં ડિમોલિશન; ૮૪ કરોડની જમીન ખુલી કરાઇ

  • May 17, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા હાથ ધરશે મેગા ઓપરેશન; ચોમાસા સુધી હવે રોજ ડિમોલિશન: ટીપી રોડ-પ્લોટ કરાશે દબાણમુક્ત

૧૨ મકાનો, બે કમ્પાઉન્ડ વોલ, બે ઓરડી સહિત ૧૬ ગેરકાયદે બાંધકામો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું: રૈયા ટીપી સ્કિમ નં.૧૬ અને ૨૨માં બે પ્લોટ તેમજ મોટામવા ટીપી સ્કિમ નં.૧૬માં ૧૨ મીટરનો ટીપી રોડ ખુલો કરાયો: વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી




રાજકોટ મહાનગરપાલિકા હવે મેગા ઓપરેશન હાથ ધરીને આવતીકાલથી ચોમાસા સુધી (તા.૧૫ જૂન સુધી) હવે રોજ ડિમોલિશન કરશે અને ખાસ કરીને વિવિધ ટીપી સ્કિમોના રોડ તેમજ રિઝર્વેશનના પ્લોટમાં થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણો ઉપર બુલડોઝર ફેરવાશે. દરમિયાન આજે મોટા મવા અને રૈયાની ટીપી સ્કિમોમાં ડિમોલિશન હાથ ધરીને કુલ રૂ.૮૪.૮૦ કરોડની જમીન ખુલી કરાઇ હતી.


વધુમાં આ અંગે મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે આજે સવારે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અલગ અલગ ત્રણ સ્થળોએ ડિમોલિશન હાથ ધરીને કુલ રૂ.૮૪.૮૦ કરોડની જમીન ખુલી કરાવાઇ હતી જેમાં (૧) રૈયા ટીપી સ્કિમ નં.૨૨ના અંતિમ ખંડ નં.૩૯/બી (પાર્કિંગ હેતુ) કે જે પ્લોટ કૈલાશ ધારા પાર્ક, નયારા પેટ્રોલ પમ્પ પાછળ , રૈયા વિસ્તારમાં આવેલ છે તે પ્લોટમાં એક ઓરડીનું ગેરકાયદે બાંધકામ હતું જે તોડી પાડીને ૧૯૨ ચોરસ મીટર જમીન ખુલી કરાવાઇ હતી જેની પ્રતિ ચોરસ મીટર દીઠ અંદાજિત કિંમત રૂ.૬૦ હજાર છે તે મુજબના ભાવની ગણતરીએ ફૂલ રૂ.૧.૧૫ કરોડની જમીન ખુલી કરાવાઇ હતી. (૨) રૈયા ટીપી સ્કિમ નં.૧૬ના અંતિમ ખંડ નં.૫૯/એ (વાણિજ્યક વેંચાણ હેતુ)નો પ્લોટ કે જે પાટીદાર ચોક નજીક, નોવા સ્કૂલ પાસે, રૈયા વિસ્તારમાં આવેલો છે તે પ્લોટમાં એક નાની ઓરડી તથા કમ્પાઉન્ડ વોલ સહિતના બે ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરી ૧૧૯૫ ચોરસ મીટર જમીન ખુલી કરાવાઇ હતી જેની પ્રતિ ચો.મી.દીઠ બજાર કિંમત રૂ.૭૦ હજાર છે, આ ભાવ મુજબની ગણતરી અનુસાર કુલ રૂ.૮૩.૬૫ કરોડની કિંમતનો ૧૧૯૫ ચોરસ મીટરનો પ્લોટ દબાણમુક્ત કરાયો હતો. તદ્દઉપરાંત (૩) મોટા મવા ટીપી સ્કિમ નં.૧૬ના ૧૨ મીટરનો ટીપી રોડ કે જે કાલાવડ રોડ ઉપર કણકોટ રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ નજીક આવેલ છે તે ટીપી રોડ ઉપરથી ૧૨ મકાનો તથા એક કમ્પાઉન્ડ વોલ મળીને કુલ ૧૩ ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી ૩૯૩૮ ચોરસ મીટર ( રોડની લંબાઇ ૩૫૪ મીટર) જમીન ખુલી કરાવાઇ હતી. આ મુજબ આજે હાથ ધરેલા ઉપરોક્ત ઓપરેશનમાં કુલ ૫૩૨૬ ચોરસ મીટર જમીન ખુલી કરાવી હતી જેની કુલ અંદાજિત બજાર કિંમત રૂ.૮૪.૮૦ કરોડ જેવી થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application