શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ઉમટી ભકતોની ભીડ

  • August 21, 2023 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે શ્રાવણ મહીનાના પ્રથમ સોમવારે શિવભકતોએ જામનગર સહિત હાલારના શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ લગાવીને પાર્વતી પતિને નમન કર્યા હતાં, દ્વારકાના જયોર્તિલીંગ સમા નાગેશ્ર્વરમાં ભારતભરમાંથી શિવભકતોએ મંદિરમાં આવીને શીશ ઝુકાવ્યું હતું, શહેરના ભીડભંજન, સિઘ્ધનાથ, નાગેશ્ર્વર, બાદનપરના કનકેશ્ર્વર, કાશી વિશ્ર્વનાથ, ભડકેશ્ર્વર, રામનાથ, ખામનાથ સહિતના શિવ મંદિરોમાં જય જય કાર શરૂ થયો છે અને ભકતો ભકિતમાં લીન થયા છે.


સમગ્ર હાલારમાં ભગવાન શિવને પ્રિય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય શહેરના મુખ્ય ભીડભંજન મંદિરને કલરકામ કરીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધનાથ, કાશિવિશ્ર્વનાથ, દ્વારકાના નાગેશ્ર્વર, બાદનપરના કનકેશ્ર્વર, ધ્રોલ નજીક સોયલેશ્ર્વર, ખીમરાણાના ખિમેશ્ર્વર અને ભવનાથ, કાલાવડના કલ્યાણેશ્ર્વર અને કુંભેશ્ર્વર અને જામનગરના અનેક શિવ મંદિરોને વિશિષ્ટ શણગાર આપવામાં આવ્યો છે. આજે શિવભકતો શિવ મંદિરોમાં બમ-બમ ભોલે અને ૐ નમ: શિવાયના જાપ જાપ શરૂ કરી દીધા છે, શહેરના અનેક મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે અને સમગ્ર હાલાર શિવમયી બની ગયું છે.


દર વખતે શ્રાવણ મહિનામાં હાલારના શિવ મંદિરોને અનેરો ઑપ આપવામાં આવે છે અને એક કહેવાત છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટલાં શિવ મંદિરો છે એટલાં શિવ મંદિરો અન્ય જિલ્લામાં નથી. ચાર ધામ પૈકીના દ્વારકામાં ૧ર જ્યોતિર્લિંગ પૈકી નાગેશ્ર્વર મહાદેવ જ્યોતિર્લિંગ આવેલું છે અને દરિયાકાંઠે ભડકેશ્ર્વર મહાદેવ પણ બિરાજમાન છે. ખંભાળિયામાં રામનાથ અને ખામનાથ, કાલાવડમાં કલ્યાણેશ્ર્વર, કુંભનાથ અને ઢીંગેશ્ર્વર, સોયલમાં સોયલેશ્ર્વર, બાદનપરમાં કનકેશ્ર્વર, ખીમરાણામાં ભવનાથ અને ખિમેશ્ર્વર, પડાણામાં પ્રગટેશ્ર્વર, લાલપુર નજીક ભોળેશ્ર્વર, ભાણવડ નજીક ઈન્દ્રેશ્ર્વર, કિલેશ્ર્વર અને બિલેશ્ર્વર, ભૂતનાથ, સુખનાથ જેવા મંદિરોમાં ભકતોના ઘોડાપુર ઉમટી પડયા છે.


જામનગરની વાત લઈએ તો જૂના જમાનાનું બેડેશ્ર્વર, સિદ્ધનાથ, નાગેશ્ર્વર, ભીડભંજન, ચાર દ્વારેથી દર્શન થતાં હોય તેવું કાશિવિશ્ર્વનાથ, નર્મદેશ્ર્વર, રામેશ્ર્વર, પ્રતાપેશ્ર્વર, જંલગેશ્ર્વર, કૂબેરેશ્ર્વર, ગૌરી શંકર, ઈચ્છેશ્ર્વર, ગંગેશ્ર્વર, હજારેશ્ર્વર, વૈજનાથ, ભૂતનાથ, સુખનાથ, નિલકંઠ મહાદેવ, નાગનાથ, તારકેશ્ર્વર, બદ્રી કેદારનાથ સહિતના શિવ મંદિરોમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવી રહી છે.


આ ઉપરાંત ૧૦૮ બિલીપત્ર અર્પણ, રૂદ્રાભિષેક, કથા, લઘુ‚દ્રી, મહાઆરતી, મંડળ, મંદિરને શણગાર સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર સોમવારે ભગવાન શિવનો અનેરો શણગાર કરવામાં આવશે. વિવિધ શણગારથી ભગવાનના અલૌકિક રૂપના દર્શન થશે.


જામનગર અને હાલારના કેટલાંક શિવ મંદિરોનો મહિમા પણ અલગ-અલગ છે. શિવની આરાધના કરવી એ ખૂબ જ મહત્વનું ગણાય છે. આ માસમાં કેટલાંક ઉપવાસ-એકટાણાં કરે છે, અમુક શિવભકતો આખો મહિનો માત્ર દૂધ પી ને ભગવાનની આરાધના કરે છે. કેટલાંક મંદિરોમાં અલગ-અલગ પ્રકારની વિવિધ આરતીઓથી ભગવાનના દર્શન પણ કરાવાય છે. કેટલાક મંદિરોમાં આજે સોમવારે ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં ભકતોએ ભકિતભાવ ભેર ભાગ લીધો હતો. કાશિવિશ્ર્વનાથ મંદિરની આરતી એકથી દોઢ કલાક ચાલે છે, આ મંદિર ભારતમાં બીજુ એવું મંદિર છે કે જેના દર્શન ચારે’ય દિશાથી કરી શકાય છે એટલે આ મંદિરનો મહિલા અપરમંપાર છે. દ્વારકામાં પણ નાગેશ્ર્વર મંદિરમાં મહિના દરમિયાન ભકતો ભગવાનને માથું ટેકવવા આવે છે અને હર-હર મહાદેવનો નાદ લગાવે છે.


આજે શિવભકતો ભગવાન શિવના ધ્યાનમાં લિન થયા છે, ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો શરૂ થઇ ચૂકયા છે સવારેના પ વાગ્યાથી શિવ મંદિરોમાં ભકતો ઉમટી પડયા હતાં, લોકોએ ઉપવાસ અને એકટાણા શરૂ કર્યા છે, કેટલાક લોકો અનુષ્ઠાન કરી રહ્યા છે, ફુલ અને બિલ્વપત્રની માંગ વધી રહી છે અને સાંજના મોટાભાગના મંદિરોમાં વિશિષ્ટ શણગાર સાથે મહાઆરતી કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application