ચોટીલા: પીપરાળી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ! બે કર્મચારીઓને છૂટા કરાતાં ભારે ખળભળાટ

  • January 18, 2023 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા તાલુકામાં સો દિવસ રોજગારી પુરી પાડતી મનરેગાના કાયદા હેઠળ થતા કામોમાં મોટો ભ્રષ્ટાચાર હોવાની ઉઠેલ ફરીયાદ બાદ ખાનગી તપાસ આવતા કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે અને લાગતા વળગતા લોકોએ રાજકીય આકાઓનું શરણ સોધવા દોડધામ આદરી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.
ખાનગી સૂત્રો દ્વારા મળતી હકિકત મુજબ ચોટીલા તાલુકામાં અનેક પ્રકારનાં કામો પંચાયત અને મંડળીઓ હસ્તક મનરેગાના કાયદા હેઠળ થયેલ છે છેલ્લા કેટલાક વર્ષોમાં કરાયેલ કામોની જો ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો અનેકનાં તપેલા અભેરાઈ ઉપર ચડી જાય તેમ છે.


આ યોજના સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક તાલુકાઓમા આ યોજનામાં કામ કરતા કર્મચારીઓ મોટા ભાગનાં કોન્ટ્રાક્ટ બેઈઝ હેઠળ ભરતી કરાયેલ હોય છે, કોઇ કાયમી કર્મચારીઓ જેમ જવાબદાર ન હોવાથી તેઓની ગોઠવાયેલ ચોક્કસ ચેનલના આધારે મસમોટા કૌભાંડ આચરવામાં આવેલ હોવાની ચર્ચા છે.
ચોટીલા તાલુકામાં પણ મનરેગામાં અનેક કામોમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની ફરિયાદો ઉઠી છે અગાઉ પણ આ તાલુકો આ બાબતે પંકાયેલો છે અને પોલીસ ફરિયાદ, સસ્પેન્ડ અને જેલ થયાના પણ ઉદાહરણો ચોટીલા તાલુકા એજ પુરા પાડેલ છે.
​​​​​​​
પીપરાળી ગામના એક વ્યક્તિએ મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અરજી કર્યા બાદ તપાસ હાથ ધરાયેલ હતી જેના રીપોર્ટ બાદ જિલ્લાનાં તંત્રવાહકોએ ચોટીલા નરેગા શાખામાં ફરજ બજાવતા એપીઓ તેમજ એક ટેકનીકલ સ્ટાફને છુટ્ટા કરવાનાં પગલા ભરીને કૌભાંડ ઉપર ઢાક પીછોડ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી ચર્ચા ચાલી છે.
સમગ્ર તાલુકામાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા તમામ કામો અંગે સ્થળ ઉપરની વાસ્તવિકતાની જો સાચી તપાસ થાય તો સામાન્ય બેરોજગારો માટે રોજગારી આપતા આ કાયદા હેઠળ ખરેખર કોને રોજગારી પ્રાપ્ત થઇ છે સામાન્ય કોન્ટ્રેક્ટ બેઇઝમાં નોકરી કરતા કેટલા માલેતુજાર બન્યાં છે. જેને કંઇ જ લાગતું વળગતું નથી તેવા કેટલા આ નિયમ તળે માલેતુજાર બન્યાં છે.! તેમજ કોને કેટલી ટકાવારીમાં હિસ્સેદારી મેળવી છે તેવા લોકોની મોટી યાદી તૈયાર થાય તેમ હોવાની જાણકારોમાં ચર્ચા છે અને આવા લોકો સામે પગલા ભરીને કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application