અતીકની પત્ની શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમ ગુજરાતમાં સરન્ડર કરે તેવી સંભાવના

  • April 21, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઉત્તરપ્રદેશ પોલીસની ટીમ ગુજરાત આવવા રવાના : દિલ્હીમાં પણ ગતિવિધિઓ ઉપર નજર




એક સમયે અતીક અહેમદની નજીકનો ગણાતો ગુડ્ડુ મુસ્લિમ (અને શાઈસ્તા પરવીનસાથે ફરી રહ્યા હોવાના સમાચાર મળ્યા છે. આ સિવાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને સરેન્ડર કરવાની ફિરાકમાં છે. યુપી એટીએફની બે ટીમ દિલ્હી અને ગુજરાત તરફ રવાના થઈ ચૂકી છે, જેથી જો બંને સરેન્ડર કરે છે તો તેમને તાત્કાલિક કસ્ટડીમાં લઈ શકાય. બંનેની માહિતી આપનાર માટે પોલીસે ઈનામની જાહેરાત પણ કરી છે.




હાલ, ગુડ્ડુ મુસ્લિમ પોલીસને ચકમો આપીને ફરાર છે. તે જે ફોનનો ઉપયોગ કરે છે, તેને પોતાના સાગરિતોને આપીને બીજા રાજ્યમાં મોકલી દે છે. આ રીતે પોલીસને તેના સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.




ઉમેશ પાલ હત્યાકાંડ બાદ આરોપી ગુડ્ડુ મુસ્લિમ પર યુપી પોલીસે પાંચ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે જ્યારે 'લેડી ડોન' શાઈસ્તા પર 50 હજારનું ઈનામ છે. ગુડ્ડુ અને શાઈસ્તા સરેન્ડર કરવાના હોવાની ખબર સામે આવ્યા બાદ એસટીએફની ટીમ એલર્ટ થઈ ગઈ છે. અશરફે હત્યાના ઠીક પહેલા ગુડ્ડુ મુસ્લિમનું નામ લીધું હતું, જેના પરથી તેણે તેને દગો આપ્યો હશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. અતીકના દીકરા અસદ અને ગુલામ મહોમ્મદની ઠેકાણું તેણે જ પોલીસને આપ્યું હતું, જે બાદ બંનેનું એન્કાઉન્ટ કરી દેવાયું હતું.




વકીલ ઉમેશ પાલની હત્યામાં ગુડ્ડુ મુસ્લિમનો મોટો હાથ હતો. તેને ઓળખનારા લોકોનું કહેવું છે કે, તે મોટો થઈને ગુનાની દુનિયામાં જ પ્રવેશશે તેવા લક્ષણો જ્યારે તે સ્કૂલમાં હતો ત્યારે જ દેખાઈ આવ્યા હતા. તેણે નાની ઉંમરમાં લૂંટ આચરવાનું શરૂ કર્યું હતું અને અન્ય કેટલાક શખ્સો સાથે રહીને બોમ્બ બનાવતા શીખ્યો હતો. જ્યારે તેની આ ગુંડાગીરી વિશે પરિવારને જાણ થઈ તો આગળના અભ્યાસ માટે લખનઉ મોકલી દીધો હતો. અહીં પણ તેની ગુંડાઓ સાથે મિત્રતા થઈ હતી. 1997માં તેણે ત્યાંથી એક સ્કૂલના શિક્ષકની હત્યા કરી હતી અને આ માટે ધરપકડ પણ થઈ હતી. તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો પરંતુ પુરતા પુરાવા ન હોવાથી સજા મળી નહોતી. 1997માં તેણે બીએસપીની સત્તા વધતે એક એન્જિનિયરને મારી નાખ્યો હતો. તે નકલી નોટો ફેલાવવાનું કામ કરતો હતો અને આ જ કેસમાં તેને જેલની સજા થઈ હતી. જો કે, ત્યાં સુધીમાં તો તે અતીકનો ખાસ બની ગયો હતો અને 2001માં તેણે જ તેને છોડાવ્યો હતો. અતીકની આખી ગેંગની જવાબદારી ગુડ્ડુ સંભાળતો હતો.



શાઈસ્તા પરવીનની વાત કરીએ તો, યુપી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા પિતાની આ દીકરી અતીક સાથે 1996માં લગ્ન કર્યા બાદ ગુનાની દુનિયામાં પ્રવેશી હતી. જ્યારે અતીક જેલમાં હતો ત્યારે પણ તેણે જ તેનો ધંધો સંભાળ્યો હતો. અતીકે શાઈસ્તાને ગુનાનો એક-એક પાઠ શીખવ્યો હતો. ઉમેશ પાલની હત્યા માટે પણ કાવતરું ઘડવામાં શાઈસ્તાનો હાથ હતો. તે ઘણા સમયથી ફરાર છે. દીકરા અસદ કે પતિ અતીકના અંતિમ સંસ્કારમાં પણ તે નહોતી આવી. તે બુરખો પહેરીને ફરી રહી છે અને તેથી જ પોલીસ માટે તેને શોધવાનું કામ મુશ્કેલ બન્યું છે.



અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણ શૂટર સની સિંહ, લવલેશ તિવારી અને અરુણ મૌર્ય હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ દરમિયાન સનીએ ખુલાસો કર્યો હતો કે તેઓ ત્રણેય 13 એપ્રિલે જ પ્રયાગરાજ આવી ગયા હતા અને રેલવે સ્ટેશન પાસેની હોટેલમાં રોકાયા હતા. 14 એપ્રિલે જ્યારે બંનેને કોર્ટ લઈ જવાયા તે જ સમયે તેઓ તેનો ખેલ ખતમ કરવા માગતા હતા પરંતુ આસપાસની ચુસ્ત સુરક્ષા જોઈને પ્લાન માંડી વાળ્યો હતો. જે બાદ તેમને 15 એપ્રિલે અતીક અને અશરફને ચેકઅપ માટે કોલ્વિન હોસ્પિટલ લઈ જવાના હોવાની ખબર મળી હતી. આ સમયે જ તેઓ કેમેરા તેમજ માઈક લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં હાજર મીડિયાકર્મીઓની વચ્ચે ઘૂસ્યા હતા. આશરે 10.35 કલાકે ગોળી મારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application