આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરી પર્યાવરણનું રક્ષણ કરતો ભાવેણાનો યુવાન

  • June 04, 2023 12:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર આઈ.ટી.આઈ.ના પુર્વ વિદ્યાર્થી દિવ્યેશ માંડલિયાએ ૩૫ થી ૪૦ કી.મી.ની એવરેજ આપતી ઇ-સાયકલ બનાવી


ભાવનગર શહેરના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા અને દરજીકામ સાથે સંકળાયેલા શ્રી રાકેશભાઈનાં પુત્ર શ્રી દિવ્યેશ માંડલિયાએ વર્ષ ૨૦૧૯ માં આઇ.ટી.આઇ.માં અભ્યાસ બાદ તેના જ્ઞાનનો ઉપયોગ થઇ શકે તેવો કોઇ પ્રયોગ કરવાની ઇચ્છા હતી. જેથી તેણે ઇ -સાયકલ બનાવવાનું વિચાર્યું અને આ વિચાર ગંભીરતાપૂર્વક અમલમાં પણ મૂક્યો. જેથી પેટ્રોલ આધારિત ટુ-વ્હીલર પર ઓછો આધાર રાખવો પડે અને પર્યાવરણનું જતન પણ થાય.


જેના માટે તેણે  સૌપ્રથમ મોનોગ્રામ બનાવ્યા બાદ સાયકલને મોડીફાઇડ કરવાનું કામ શરૂ કર્યું.દિવ્યેશે સામાન્ય સાયકલમાં ઇલેક્ટ્રીક વાયર, ફ્રીવ્હીલ, ચેન, લાઈટ, હોર્ન, ચાર્જેબલ એલ.ઇ.ડી., બેટરી કન્ટ્રોલર એક્સીલેટર મોટર, લીવર સહિતની વસ્તુઓ ફીટ કરી ઇ -સાયકલ બનાવી છે.


તેમના આ સંશોધન વિશે જણાવતા દિવ્યેશભાઈ કહે છે કે, એક વખત ચાર્જ કર્યા પછી ૩૫ થી ૪૦ કિલોમીટર સુધી આ ઇ-બાઇકને ચલાવી શકાય છે. ઇ - બાઇકમાં બેટરી પૂરી થઈ જાય તો પેડલ મારી સામાન્ય સાયકલ  રૂપે ચલાવી શકાય તેવો વિકલ્પ પણ છે, જેથી આ ઇ-સાયકલ વધુ ફાયદાકારક બની રહે છે.


પર્યાવરણના જતન અંગે સંદેશ આપતા તેઓ જણાવે છે કે, વિકાસની સાથે સાથે પર્યાવરણને પણ આપણે સૌએ જાળવવું જરૂરી છે. આપણાં સૌનું અસ્તિત્વ પર્યાવરણ થકી જ છે. વૃક્ષો દ્વારા ઑક્સિજન પૂરો પાડવામાં આવે છે અને એ પ્રાણવાયુ નાં કારણે આપણે સૌ જીવી શકીએ છીએ, માટે આપણે પણ પર્યાવરણને જાળવવા માટેનાં પ્રયત્નો હાથ ધરવા જોઈએ.મહત્તમ વૃક્ષો વાવવા જોઈએ.તેમણે પોતાની સામાન્ય સાઇકલને ઇ - સાઇકલમાં ફેરવી પોતાની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ તો દાખવી જ છે સાથે સાથે અન્યોને પણ પર્યાવરણના જતન અંગે જાગૃત કરવા એક અનેરૂ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application