NEET પેપર લીકના મુખ્ય ત્રણ સ્થળો, જ્યાંથી NEETના વિદ્યાર્થીઓના સપના રોળાયા,ભવિષ્ય થયું બરબાદ, જાણો પૂરી ઘટના

  • June 22, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


NEET પેપર લીકને લઈને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે NEET કૌભાંડ જ્યાંથી થયું છે એવા ત્રણ સ્થળો પ્રકાશમાં આવ્યા છે કે જ્યાંથી પેપર લીકની ઘટના બની હતી બિહારથી ઝારખંડની રાજધાની રાંચી અને ઉત્તર પ્રદેશના મેરઠ સુધી NEETના 'ખલનાયકો' વિશે માહિતી મળી છે. આ ત્રણ સ્થળો દ્વારા એ માહિતી સામે આવી કે વિદ્યાર્થીઓને પેપર કેવી રીતે ગોખાવવામાં આવ્યું અને પ્રશ્નોના જવાબો કઇ રીતે તૈયાર કરવામાં આવ્યા તે જાણવા મળશે.


બિહારની રાજધાની પટનાથી લગભગ 70 કિલોમીટર દૂર નાલંદામાં NEET સ્કેન્ડલના માસ્ટરમાઇન્ડનું છુપાયેલું ઠેકાણું છે. નાલંદાનું નાગરસૌના ગામ NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડનું ઘર છે. પેપર લીકના માસ્ટર માઈન્ડનું નામ સંજીવ મુખિયા છે. હાલમાં સંજીવ મુખિયા ફરાર છે અને આ પહેલીવાર નથી. છેલ્લા 20 વર્ષમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કેસમાં તેનું નામ અનેક વખત સામે આવ્યું છે.


પેપર લીક મામલે સંજીવ મુખિયાનો પુત્ર પણ જેલમાં


સંજીવ મુખિયાના ભાઈ રાજીવ કુમારે જણાવ્યું કે ઘર વહેંચાઈ ગયું છે. તે અત્યારે ક્યાં રહે છે તે જાણી શકાયું નથી. તેની સાથે હવે વાત પણ નથી થતી. માહિતી અનુસાર, સંજીવની પત્ની પટનામાં રહે છે. તેમનો દીકરો શિવ ડોક્ટર છે અને તે અન્ય પેપર લીક કેસમાં હાલમાં જેલમાં છે. ગામમાં સંજીવનું કચ્છી ઘર છે. જેનું તાળું તૂટેલું છે. લોકોએ કહ્યું કે તે ગામમાં આવે છે પરંતુ એક-બે કલાક રોકાયા પછી જતો રહે છે.


સંજીવ લગભગ 20 વર્ષથી આ બિઝનેસમાં છે. અગાઉ સોલ્વર ગેંગનો સભ્ય હતો. પોલીસે સંજીવ મુખિયાની ધરપકડ કરી છે અને તે જેલમાં પણ ગયો છે પરંતુ હાલમાં તે NEET પેપર લીક કૌભાંડમાં ફસાયો છે અને ફરાર થઇ ગયો છે. જેની દરેક ખૂણે શોધ કરવામાં આવી રહી છે.


પેપર લીક કાંડમાં સંજીવની ભૂમિકા


સંજીવ મુખિયા પેપર લીકનો માસ્ટરમાઇન્ડ છે. જેની નીચે અમિત આનંદ અને નીતીશ કામ કરતા હતા. અમિત આનંદ એક એવી વ્યક્તિ છે જે પેપર લીકના કાળા કારોબારમાં પહેલેથી જ સંડોવાયેલો છે. સરળ શબ્દોમાં કહીએ તો તેને સેટર ગણી શકાય. જે કિંગપિન અને મધ્યસ્થી વચ્ચેની કડી છે. નીતીશ અમિત આનંદનો મિત્ર છે અને સિકંદર આ કૌભાંડમાં બંનેની હેઠળ કામ કરતો હતો. મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા સિકંદરે અનુરાગ અને આયુષ જેવા ઘણા ઉમેદવારોને પાસ કરાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો.


પેપરના જવાબો અનુરાગ અને આયુષ સુધી કેવી રીતે પહોંચ્યા તે સમજવું પણ જરૂરી છે. અહીં વધુ બે પાત્રો દાખલ થાય છે. ચિન્ટુ અને પિન્ટુ. ચિન્ટુના મોબાઈલ પર પેપરના જવાબો આવી ગયા હતા. ચિન્ટુએ પિન્ટુને જવાબો આપ્યા અને પછી પ્રિન્ટર લઈને આવેલા પિન્ટુએ તમામ પ્રશ્નોના જવાબો છાપ્યા.


પટનાની લર્ન એન્ડ પ્લે સ્કૂલ એ NEET પેપર લીક કૌભાંડનો પહેલો અડ્ડો છે. ચિન્ટુ-પિન્ટુ દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્નોના જવાબો રાતોરાત પટનાની લર્ન એન્ડ પ્લે સ્કૂલમાં મોકલવામાં આવ્યા. જ્યાં અનુરાગ અને આયુષ જેવા પહેલાથી જ હાજર વિદ્યાર્થીઓએ જવાબો યાદ રાખ્યા અને બીજા દિવસે સવારે પરીક્ષા આપવા ગયા. NEET પેપર લીક કૌભાંડમાં 22 વર્ષીય અનુરાગ યાદવ એક ઉમેદવાર છે. જે લીક થયેલા પેપર દ્વારા પરીક્ષામાં હાજર થયો હતો પરંતુ બિહારના રાજકારણમાં તેના નામથી ખળભળાટ મચી ગયો છે.


અનુરાગના નામ પર શા માટે હોબાળો મચ્યો છે તે સમજવાની જરૂર છે. કારણકે તેના દ્વારા જ અન્ય આધાર વિશે ખબર પડશે. 4 મેના રોજ અનુરાગ તેની માતા સાથે પટનાના એક સરકારી ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો હતો. આ ગેસ્ટ હાઉસે NEET કૌભાંડના તમામ રહસ્યો ખોલ્યા છે. રજિસ્ટરમાં અનુરાગની એન્ટ્રીની આગળ મંત્રીજી લખવામાં આવ્યું હતું. હવે સવાલો ઉઠી રહ્યા છે કે તે મંત્રી કોણ છે?


આરોપી અનુરાગે પેપર લીકની કરી કબૂલાત


બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ આરોપ લગાવ્યો છે કે તેજસ્વી યાદવના પીએસ પ્રિતમે ગેસ્ટ હાઉસના કેરટેકર પ્રદીપને ફોન કર્યો અને ફોન પર વાતચીત પછી પ્રદીપે અનુરાગના રહેવાની વ્યવસ્થા કરી. ગેસ્ટ હાઉસ બુક કરવા માટે ફોન કરનાર તેજસ્વી યાદવના પીએસ પ્રિતમ કુમાર સરકારી અધિકારી છે. અહેવાલ છે કે NEET કૌભાંડની તપાસ કરી રહેલી પટના EOU ટીમ પ્રીતમ કુમારની પૂછપરછ કરવા જઈ રહી છે.


તેજસ્વીને પૂછપરછ કરવામાં કોઈ સમસ્યા નથી પરંતુ અહીં તે સિકંદરનો બચાવ કરતો હોય તેવું લાગી રહ્યું છે. અનુરાગે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. અનુરાગ કોટામાં મેડિકલની તૈયારી કરી રહ્યો હતો. અનુરાગે પોતાના કબૂલાતમાં કહ્યું છે કે તેને કાકા સિકંદરનો ફોન આવ્યો હતો. ત્યારબાદ તે કોટાથી પાછો આવ્યો અને તે અમિત આનંદ અને નીતીશ પાસે પહોંચ્યો. તેમણે કહ્યું કે આનંદ અને નીતિશને NEET પરીક્ષાનું પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપવામાં આવી હતી. મને પેપર ગોખવા માટે આપી દીધું અને જ્યારે હું કેન્દ્ર પર પહોંચ્યો ત્યારે મને તે જ પ્રશ્નપત્ર મળ્યું જે રાત્રે યાદ કરવા માટે  આપ્યુ હતું. પરીક્ષા પછી પોલીસ આવી અને મને પકડી લીધો.


NEET કૌભાંડનો ત્રીજો આધાર કયો?


NEET પેપર લીકનો ત્રીજો આધાર પટનામાં આવેલ એક ફ્લેટ છે. શહેરના કુલદીપ વિમાદિત્ય પેલેસમાં આવેલ ફ્લેટ નંબર 202 જ્યાં NEET પેપર લીકનું સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. અહીં કરોડો રૂપિયાના ફ્લેટની ડીલ થઈ હતી. પોલીસને આ ફ્લેટમાંથી બળી ગયેલા પ્રશ્નપત્રો મળી આવ્યા હતા. પોલીસને અન્ય ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. NEET પેપર લીકના કિંગપિન અમિત આનંદનો આ ફ્લેટ છે.


મુંગેરનો રહેવાસી અમિત આનંદ લાંબા સમયથી પેપર લીકના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ગયાના નીતીશ તેમના મિત્ર છે અને બંને સંજીવ મુખિયાની સાંકળના મહત્વપૂર્ણ પાત્રો છે. અમિત આનંદ અને નીતિશે કબૂલાત કરી છે કે તેઓ સિકંદરને દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલ ઓફિસમાં મળ્યા હતા. સિકંદર આ સિટી કાઉન્સિલમાં જેઈ હતા. અમિત અને નીતીશ અહીં કોઈ અંગત કામ માટે ગયા હતા અને પછી વાતચીત દરમિયાન સિકંદર સાથે NEET પરીક્ષા પાસ કરાવવા માટે સોદો થયો હતો.


અત્યાર સુધી આ એવા ચહેરાઓના નામ છે. જેમની કુંડળીઓ આ રિપોર્ટમાં જોઈ હશે. NEET પેપર લીક કૌભાંડમાં આ કડીઓ મળી આવી છે. પરંતુ આ સમગ્ર કૌભાંડમાં એક બીજું નામ પણ સામે આવ્યું છે જેના પર સૌથી વધુ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વ્યક્તિનું નામ રવિ અત્રી છે. જે યુપીના ગૌતમ બુદ્ધ નગરના જેવર પોલીસ સ્ટેશનનો રહેવાસી છે. તેને પેપર લીકનો સૌથી મોટો માફિયા કહેવામાં આવે છે.


રવિ અત્રી યુપીની મેરઠ જેલમાં બંધ છે અને રિપોર્ટ્સ અનુસાર, રવિ અત્રીની ગેંગે પટના અને નાલંદાની બોર્ડર પરથી NEET પરીક્ષાનું પેપર લીક કર્યું હતું. બિહારના નાલંદાનો રહેવાસી સંજીવ મુખિયા રવિ અત્રીનો જ માણસ છે. રવિ અત્રી મેડિકલ પ્રવેશ પરીક્ષાના પેપર લીક કરી ચૂક્યો છે અને સંજીવ મુખિયાનું નામ સામે આવ્યા બાદ હવે રવિ અત્રી પર સૌની નજરો મંડાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application