બેડ, રસુલનગર, વસઇ તથા સિક્કા ગામોની જામનગરના મુસ્લીમ આગેવાનોએ લીધી મુલાકાત

  • June 15, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીફ ઓફિસરને મળી જ‚રી સહયોગ અને ખડેપગે રહેવાની ખાત્રી આપી

સંભવિત વાવાઝોડાના પગલે દરિયાઇ કાંઠાના ગામો જેવા કે, રસુલનગર, બેડ, સિક્કા, વસઇ વિગેરે ગામોની જામનગરના મુસ્લીમ આગેવાનોએ મુલાકાત લીધી હતી અને હાલની પરિસ્થિતિને જાણી સિક્કાના ચીફ ઓફિસર સાથે ખડેપગે રહેવા તેમજ જરુરી સહયોગ અને મદદની ખાત્રી આપીને વિકટની પરિસ્થિતિને પહોંચી વળવા આહવાન કર્યું હતું.
બીપરજોય વાવાઝોડાના ભયજનક વાતાવરણમાં જામનગર દરિયાઈ વિસ્તાર આસપાસના ગામો જેવા કે બેડ, રસુલનગર, વસઈ તથા સિક્કા વિગેરે ગામોની જામનગરના મુસ્લિમ આગેવાનો કાસમભાઈ ખફી, રજાકભાઈ ચાવડા, કાદરબાપુ જુણેજા, ઈકબાલભાઈ ખફી, ઈકબાલભાઈ સુમરા, જુસબ બારિયા, કાદરબાપુ શેખ, વકીલ રશીદ ખીરા, અમીનભાઈ નોતીયાર, અફઝલ ખીરા, ભૂટાભાઈ, મુરતુઝા ખીરા, અલીભાઈ પતાણી, બોદુભાઈ પતાણી, જેન્તીભાઈ વિગેરેએ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.
આ તકે સરકાર અને પ્રશાસનની સાથે કદમ મિલાવી આર્થિક કે સામાજિક રીતે મદદરૂપ થવા સિક્કા નગરપાલિકાના ચીફ ઑફિસર અગ્રવાલની મુલાકાત લીધેલ અને સરકારની સાથે જ્યાં જ્યાં જરૂર હોઈ ત્યાં  ફૂડ પેકેટ, પીવાનું  પાણી, તાલપત્રી વિગેરે આપવા માટે ખાત્રી આપી હતી અને સરકાર સાથે ખડે-પગે ઉભું રહેવાનું અને તન-મન અને ધન સાથે સહયોગ આપવા અહવાન કર્યું હતું અને આવી વિકટ પરિસ્થિતિમાં સાથે રહેવાનું ઉમદા કાર્ય કર્યું છે અને આ આગેવાનો દ્વારા એક હેલ્પલાઈન શરુ કરેલ છે, તેમ તેમણે જણાવ્યું હતું અને આ આગામી વિકરાળ પરિસ્થિતિમાં પહોંચી વળવા આહવાન આપ્યું છે.
**
*સુરજકરાડીમાં ૧૨ કલાક વિજપુરવઠો બંધ : અજાડ ટાપુ પરથી ૬નું રેસ્કયુ
દ્વારકા પંથકના અનેક ગામોમાં વિજળી ગુલ થઇ ગઇ છે, સુરજકરાડીમાં તો ૧૨-૧૨ કલાક સુધી વિજળી આવી ન હતી જેથી ગરમીમાં લોકો કંટાળી ગયા છે, ત્યારે ગઇકાલે કોસ્ટગાર્ડની મદદથી અજાડ ટાપુ પર ફસાયેલા છ લોકોનું હેલીકોપ્ટર મારફત રેસ્કયુ કરવામાં આવ્યુ હતું.
**
કોર્પોરેશનનું તંત્ર સતત ખડેપગે
જામનગર મહાપાલીકાના તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા સામે બાથ ભીડવા વિવિધ ટીમો બનાવવામાં આવી છે, વોર્ડવાઇઝ અધિકારીઓની નિમણુંક કરાઇ છે, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી અને ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ક્ધટ્રોલરુમ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે, ગઇકાલ સાંજ સુધીમાં શહેરમાંથી ૪૨૦૦ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે, તમામને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલું જ નહીં ૪૪ સ્કુલો અને અન્ય આશ્રયસ્થાનોમાં લોકોને રહેવાની સગવડ કરાઇ છે, સામાજીક સંસ્થાઓ દ્વારા પણ મહાપાલીકાને મદદ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના જવાનોને સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, અધિકારીઓ મુકેશ વરણવા, રાજીવ જાની, દિપક શિંગાળા, ઉર્મિલ દેસાઇ, અનિલ ભટ્ટ, મુકેશ ચાવડા, કણસાગરા સહિતનો સ્ટાફ સતત દોડતો રહયો છે.
**
અસરગ્રસ્તો માટે કોંગ્રેસ દ્વારા ફુડ પેકેટસ બનાવાયા
જામનગર શહેરમાં વાવાઝોડુ આવવાની શકયતા હોય ગઇકાલે સાંજે કોંગ્રેસ કાર્યાલયમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને વિપક્ષી નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ ૩ હજારથી વધુ ફુડ પેકેટસ બનાવવામાં આવ્યા હતા, આ તકે જેનબ ખફી, રચના નંદાણીયા, રંજનબેન ગજેરા, સહારા મકવાણા, આનંદ રાઠોડ, ભરત વાળા, કાસમ જોખીયા સહિતના કાર્યકરો આ ફુડ પેકેટની કામગીરીમાં જોડાયા હતા.
**
દરીયાકાંઠાના ૨૨ ગામ માટે પશુપાલનની ૩ ટીમ કાર્યરત
વાવાઝોડાની અસરના પગલે પશુપાલન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં ૩ ટીમોને કાર્યરત કરી દેવામાં આવી છે અને હેલ્પલાઇન નં. ૧૯૬૨ જાહેર કરવામાં આવ્યો છે, પશુના મૃત્યુની ખરાઇ, પશુઓને કઇ જગ્યાએ રાખવામાં આવ્યા છે એ તમામ વિગતો આ ટીમ નકકી કરશે.
**
કલેકટરના માર્ગદર્શન હેઠળ વાવાઝોડા સામે બાથ ભીડવા તૈયારીને આખરી ઓપ
વડાપ્રધાન કાર્યાલયમાંથી સતત વાવાઝોડાનું મોનીટરીંગ થઇ રહયું છે, ત્યારે જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા અને દેવભુમી દ્વારકામાં પડાવ નાખીને રહેલા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી, રાહત કમિશ્નર અનુપમ આનંદ, નાયબ સચિવ મુકેશ પંડયા, જામનગરના કલેકટર બિજલ શાહ, દ્વારકાના કલેકટર અશોક શાહ, અધિક કલેકટર જોટાણીયા, ભાવેશ ખેર, એસડીએમ પાર્થ તલસાણીયા, પાર્થ કોટડીયા, દર્શીત શાહ, મામલતદાર વિરલબેન તેમજ જિલ્લા પંચાયતના ડીડીઓ વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો સતત કાર્યરત થઇ છે અને હવે તો આશ્રયસ્થાનોમાં ખસેડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application