આજકાલના અહેવાલનો પડઘો: દબાણ દૂર કરવા દસ દિવસની મુદત અપાઈ

  • July 07, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જગતમંદિરના પ્રવેશદ્વારોના  માર્ગો પર દબાણ કરનાર ૯૬ આસામીને નોટિસ

દ્વારકા જગત મંદિરના પ્રવેશદ્વારોના માર્ગો પર આવેલી દુકાનો ના આસામીઓએ ઓટલા અને ટેબલો ખડકી દબાણો કર્યાના આજકાલ દૈનિકમાં સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ થતાં જ નગર પાલિકા હરકતમાં આવી આ વર્ષો જૂની સમસ્યા સામે નગરપાલિકાનું તંત્ર આખરે જાગ્યું છે અને બે દિવસમા ૯૬ આસામીઓને દબાણ  સબબ નોટિસ ફટકારી છે વધુ સવેઁ કરી નોટીસ પાઠવવાની કામગીરી ચાલુ છે જેમાં આસામીઓને દબાણ દૂર કરવા દસ દિવસની મુદત આપવામાં આવી છે.
દ્વારકામાં જગતમંદિરના બંને પ્રવેશદ્વારોના રસ્તા પર  ટ્રાફીકની ભયંકર સમસ્યા છે. આ વિસ્તારમાં વ્યવસાય કરતા અમુક ધંધાર્થીઓ મંદિરને જોડતા મુખ્ય પ્રવેશદ્વાર સુદામા સેતુ રોડ અને બેઠક રોડ પરના અત્યંત સાંકડા રસ્તાઓમાં પણ રસ્તાની બંને બાજુ પથારા પાથરી ચુકયા છે. આ સમસ્યા વર્ષોથી છે. જગતમંદિરના મુખ્ય રસ્તાઓની આસપાસ દબાણના કારણે દર્શનાર્થીઓ તથા સ્થાનીક લોકોને અવર-જવર કરવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તા પરના દબાણો તથા ટ્રાફીક સમસ્યા બાબતે  અધિકારીઓ વષોઁથી ઈરાદાપૂર્વક આંખ આડા  કાન કરી રહ્યા છે.  
મંદિરની આસપાસ સાંકડી બજારો છે અને મંદિરના બન્ને પ્રવેશ દ્વારોની બાજુની દુકાનોમાં ત્રણથી ચાર ફુટના ઓટલાઓ ટેબલો અને છાજલીઓ ખડકીને રસ્તા પર રીતસર કબજો જમાવી લીધો છે. જેનાથી યાત્રિકો તથા સ્થાનીક લોકોને અવર-જવર કરવામાં ખુબજ મુશ્કેલી પડે છે. કોરોનાકાળ પછી યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે ત્યારે ટ્રાફીકની સમસ્યા શિરદર્દ સમાન બની ગયાના ચાર દિવસ પૂર્વે આજકાલ દૈનિકમા સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ થતાં નગર પાલિકાનુ તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જગત મંદિરના પ્રવેશદારોના માર્ગો પર દબાણ કરનાર ૯૬ આસામીને નોટિસ ફટકારી છે અને વધુ સવેઁ કરી નોટીસ પાઠવવાની હોય જેમાં આસામીઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા દસ દિવસની મુદત આપવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીથી દુકાનદારોમાં ફાફડાટ સાથે દોડધામ મચી ગઈ છે.
જગત મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સુદામા સેતુ રોડ અને બેઠક રોડ પરના માર્ગો પર દુકાનોના ગેરકાયદેસર ઓટલા અને ટેબલોના દબાણ સામે તંત્ર નપાણીયું પુરવાર થયું હોય તેમ આજ દિવસ સુધી કોય નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ ‘આજકાલ’ના અહેવાલો બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું.
દ્વારકા જગત મંદિરના પ્રવેશદારોના માર્ગો પર ઓટલા અને પથારાનું દબાણ કરનાર કપડાં અને વસ્ત્રની દુકાન ધરાવતા આસામીઓને બે નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં એક નોટિસ દબાણ દૂર કરવાની છે તો બીજી નોટિસ નિયમ મુજબ ફાયર ના સાધનો રાખવાની છે. કારણ કે તાજેતરમાં જ આ માર્ગ પર આગના બનાવમાં ત્રણ દુકાનો ભસ્મિભૂત થઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application