તમિલ સંગમ કાર્યક્રમ: પોર્ટલ લોન્ચ થયાના 24 કલાકમાં 10,000 નું રજીસ્ટ્રેશન

  • March 22, 2023 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સ્પેશિયલ ટ્રેન દોડાવાશે: સોમનાથમાં 15 દિવસનો કાર્યક્રમ: દ્વારકા, પોરબંદર, રાજકોટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જવા હજારો એસટી બસ ફાળવવામાં આવે તેવી શક્યતા



તમિલ સંગમ કાર્યક્રમ અનુસંધાને રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ લોન્ચ કર્યાના માત્ર 24 કલાકમાં 10,000 થી વધુ તમિલ લોકોએ સૌરાષ્ટ્રમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.



સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તમિલ સંગમનો કાર્યક્રમ તારીખ 17 એપ્રિલ થી તારીખ 30 એપ્રિલ સુધી સોમનાથમાં યોજાશે. સોમનાથમાં સૌરાષ્ટ્ર અને તામિલનાડુના કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ, વાણિજ્ય, યુવા અને શૈક્ષણિક બાબતોને આવરી લઈને જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવનારા છે.




એક જ દિવસમાં 10,000 થી વધુ લોકોનું રજીસ્ટ્રેશન થઇ જતા હવે શું કરવું તેનું માર્ગદર્શન સરકાર પાસે માગવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હજુ ચાલુ છે અને તે જોતા મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશનની શક્યતા છે. તામિલનાડુથી સૌરાષ્ટ્ર આવવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. પરંતુ તામિલનાડુના આ લોકોને સોમનાથ ઉપરાંત રાજકોટ દ્વારકા સ્ટેચ્યુ ઓફ યુનિટી પોરબંદર જેવા સ્થળોની મુલાકાત કરાવવાની હોવાથી આટલી મોટી સંખ્યામાં લોકોને લાવવા લઈ જવા માટે શું વ્યવસ્થા કરવી? તે મોટો પ્રશ્ન છે. સતાવાર સાધનો પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવી રહ્યા છે કે એસટી બસ સૌથી મોટો અને શ્રેષ્ઠ વિકલ્પ બની રહે તેવું લાગે છે. જો આમ થશે તો હજારોની સંખ્યામાં એસટી બસ ફાળવવાની થશે.



તારીખ 17 થી તારીખ 30 એપ્રિલ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં પોર્ટલ લોન્ચ કરવાની સાથે સાથે થીમ સોંગ પણ બનાવવામાં આવ્યું છે અને તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે. જાણીતા ગાયક સુદેશ ભોંસલેએ તે ગુજરાતી હિન્દી અને તમિલ લેંગ્વેજમાં ગાયું છે.


સૌરાષ્ટ્ર અને તામિલનાડુના લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાના પ્રયત્નો આમ તો 2006 થી થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પ્રયાસોથી તામિલનાડુમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના લોકોનું એક પ્રતિનિધિ મંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી અહીંના લોકોની તામિલનાડુની અને તામિલનાડુમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના લોકોને સૌરાષ્ટ્રની મુલાકાતનું પ્રમાણ ઘણું વધી ગયું હતું. હવે મેગા કાર્યક્રમ આ દિશામાં યોજાઇ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application