જામનગર-દ્વારકામાં તંત્ર હાઇએલર્ટ પર: વાવાઝોડું ફંટાઇ જવાની સંભાવના

  • June 08, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરથી ૮૫૦ નોટીકલ માઇલ દૂર વાવાઝોડૂં દરિયામાં વધુ તાકાતવર બન્યું: તા.૯ થી ૧૧ સુધી વરસાદ સાથે દરિયો તોફાની બનશે એનડીઆરએફની ટીમ એલર્ટ: બે નંબરનું સિગ્નલ યથાવત

અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન હવે સાયકલોનમાં ફેરવાઇ ગયું છે, દરિયો તોફાની બનવાની પુરી શકયતા છે, હાલારના તમામ બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, તે આજે પણ યથાવત રાખવામાં આવ્યું છે, એટલું જ નહીં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે અને દરિયામાં રહેલી બોટોને કિનારે લાવવા સુચના આપી દેવામાં આવી છે. બીપોરજોય નામનું આ વાવાઝોડુ ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે, ગુજરાતના દમણ, ભરુચથી માંડીને કચ્છના જખૌ સુધીના બંદર ઉપર સિગ્નલ લગાવાયું છે, ગઇકાલે રાત્રે પોરબંદરથી ૮૫૦ કિ.મી. દુર આ વાવાઝોડુ હતું અને આગામી તા.૯થી ૧૧ સુધી ગમે ત્યારે વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતા છે. સરકારની સુચના અનુસાર જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કલેકટરોને સાવચેત રહેવા જણાવાયું છે.
જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે સાંજે દ્વારકાના દરિયા કિનારે અને ગોમતી ઘાટે  ઉંચા મોજા ઉછળ્યા હતાં, જેને કારણે દુર-દુરથી આવેલા કૃષ્ણભકતો ગોમતીમાં સ્નાન કરી શકયા ન હતાં, તા.૯ના રોજ ૧૧૫ થી ૧૨૫ કિ.મી., તા.૧૦ના રોજ ૧૩૫ થી ૧૪૫ કિ.મી., તા.૧૧ના રોજ ૧૪૫ થી ૧૭૦ કિ.મી. સુધીની ઝડપ રહે તેવી શકયતા છે.
દ્વારકાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, દરિયામાં ગયેલી બોટને પાછી બોલાવી લેવામાં આવી છે અને  જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લાની આશરે ૧૦૦૦ બોટ દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. ખતરો વધતા ડીસ્ટન્સ વોર્નિંગ-૨ના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ ૩૭ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૮.૪ ડીગ્રી, હવામાં ભેજ ૮૨ ટકા અને પવનની ગતિ ૬૦ થી ૬૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
દ્વારકાના કલેકટર અશોક શાહના જણાવ્યા મુજબ સંભવીત વાવાઝોડુ બીપોરજોય ગોવાથી ૮૫૦ મીટર દુર અને પોરબંદરથી ૧૦૫૦ કિ.મી. દુર છે, જો કે આજે તેની ઝડપ ઘટી છે, દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૨૪ કલાક ક્ધટ્રોલ રુમ શરુ કરી દેવામાં આવ્યો છે, દરિયા કિનારે જો સ્થળાંતર કરાવવાનું થાય તો સાયકલોન સેન્ટરમાં ૧૫૦૦ માણસોને રાખી શકીશું, હાલમાં ઓખા બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, મોટાભાગની ફીશીંગ બોટ સમુદ્ર કિનારે આવી રહી છે, વાવાઝોડા પ્રમાણે સિગ્નલ બદલતા રહીશું અને વધારાની સુચના આપીશું, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોસ્ટગાર્ડ, નેવી અને પોલીસનો સહકાર લઇને ઓછામાં ઓછુ ડેમેજ થાય તેવા પગલા લઇ રહ્યા છીએ, નાગરિકોએ શું કરવું જોઇએ ? તે માટે અમે સુચના પણ જારી કરી છે, વાવાઝોડુ ચાલતું હોય ત્યારે લોકો ઘરની બહાર ન નિકળે, ફીશરમેન દરિયામાં ન જાય અને સલામત સ્થળે તેની બોટ લાંગરે.
આ ઉપરાંત ઘરમાં ટોચ, મીણબતી, ખાણીપીણીનો સામાન, પીવાનું પાણી લોકો સંગ્રહીત રાખે, દિવ્યાંગ, વૃઘ્ધ, બાળકોની સલામતી આપણી ફરજમાં આવે છે.
જિલ્લા કલેકટર બીજલ શાહ, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, અધિક કલેકટર ભાવેશ ખેર, ડીએમસી ભાવેશ જાનીની ટીમ સતત દેખરેખ રાખી રહી છે, મહાપાલિકા દ્વારા કેટલાક સ્થળોને રિકવીઝેટ કરવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.
બળબળતા તાપને કારણે લોકો સવારથી જ પરેશાન થઇ ગયા છે, ઠંડા પીણા, બરફ, ગોલા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, જયુશ, નાળીયેર પાણીનો સહારો લઇ રહ્યા છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે અને વધુ ગરમી પડવાની પુરી શકયતા છે.
શહેરમાં આકરો તાપ શરુ થઇ ચૂકયો છે, સવારથી જ વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે, આકાશમાં વાદળો છવાયા છે, જો કે વરસાદની કોઇ શકયતા નથી હજુ ત્રણ દિવસ સુધી આકાશમાંથી અંગારા વરસશે તેની સાથે પવન પણ ફુંકાશે એવી હવામાન ખાતાની આગાહી છે. ગઇકાલથી તાપ શરુ થયો છે, આજે પણ સૂર્યદેવતા લાલચોળ થઇ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application