પડધરી ચોકડીએ ઇકકો કારે એક્ટિવાને ઉલાળતા ભાઈની નજર સામે બહેનનું મોત

  • September 11, 2023 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-જામનગર રોડ વચ્ચે પડધરી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતી ઇકો કારે એક્ટિવાને ઉલાળતા એક્ટિવા સવાર ભાઈ-બહેન રોડ પર પટકાતા બંનેને ગંભીર ઇજા થઇ હતી જેમાં બહેનનું ઘટના સ્થળે જ  મોત નીપજ્યું હતું. બનાવ અંગે પડધરી પોલિસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી.
​​​​​​​
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જોડિયાના કેસીયા ગામે રહેતી જેમીના હસમુખભાઈ ગોધાણી (પટેલ) (ઉ.વ.૨૨) અને તેનો ભાઈ રાજ (ઉ.વ.૨૧) બંને ગઈકાલે કેસીયાથી એક્ટિવા લઈ રાજકોટ આવી રહ્યા હતા ત્યારે પડધરી બાયપાસ પાસે માતેલા સાંઢની જેમ આવી રહેલી ઇકો કારે પાછળથી એક્ટિવાને ઠોકર મારતા બંને ભાઈ બહેન ફંગોળાયા હતા. જેમાં જેમીનાને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો જયારે તેના ભાઈ રાજને પ્રથમ પડધરી અને  રાજકોટ સારવાર માટે માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક જેમીના ત્રણ બહેન અને એક ભાઈમાં વચેટ હતી અને રાજકોટમાં એમસીએનો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદ ઇન્ટરશીપ કરતી હતી. સાતમ-આઠમના તહેવારમાં રજા હોવાથી અમદાવાદથી કેસીયા પોતાના ઘરે આવી હતી  તેનો ભાઈ રાજ પણ રાજકોટમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હોવાથી બંને ભાઈ-બહેનને રજા પુરી થતાં જેમીનાને અમદાવાદ જવું હોવાથી ગઈકાલે બપોરે બંને ઘરેથી એક્ટિવમાં લઈને રાજકોટ આવવા ,માટે નીકળ્યા હતા . દરમિયાન અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જનાર ઇક્કો ચાલક સામે ગુનો નોંધવા પડધરી પોલીસે તજવીજ હાથ ધરી હતી. મૃતકના પિતા ખેતીકામ કરે છે આશાસ્પદ પુત્રીના  મોતથી પરિવાર આઘાતમાં ગરકાવ થયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application