ભુચરમોરીના રણ મેદાનમાં નિર્માણ પામેલ "શહિદ વન ધરાવે છે પ્રકૃતિનો સમન્વય

  • June 06, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના ભુચરમોરી ખાતે સામાજિક વનીકરણ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬માં ૧૦ હેક્ટરમાં નિર્માણ પામેલ શહિદ વન પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર

છોડમાં રણછોડ અને પર્યાવરણમાં પ્રકૃતિનો વાસ હોય છે. કારણકે આપણા જીવનમાં પર્યાવરણ ખૂબ મહત્વનું છે. પર્યાવરણ દ્વારા જ પૃથ્વી પર જીવન શક્ય છે. એક સારું અને સ્વચ્છ ૫ર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવવા માટે મદદ કરે છે માટે જ સરકાર દ્વારા પર્યાવરણનું જતન કરવા માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભુચરમોરી મેદાનમાં ખેલાયેલા યુદ્ધમાં જે વીરો શહિદ થયા હતા તે જગ્યા પર સાંસ્કૃતિક વન શહિદવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જામનગરથી આશરે ૩૭ કિમી દૂર અને ધ્રોલથી વાયવ્ય દિશાએ ભુચરમોરીના રણ મેદાનમાં વર્ષ ૨૦૧૬માં ૧૦ હેક્ટર વિસ્તારમાં વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ નિર્માણ પામેલા આ વનમાં પંચવટી વન,નવગ્રહ વન, તુલસી વન, આરોગ્ય વન, ચંદન વન, સ્મૃતિ વન,બીલી વન,રુદ્રાક્ષ વન,કૈલાશ વનમાં અનેક પ્રકારની વનસ્પતિઓ છે.
"રણ"માં વિકસેલું "શહિદ વન" પર્યટકોના આકર્ષણના કેન્દ્ર સાથે પર્યાવરણનું પણ જતન કરે છે. શહિદવનમાં આવેલા પંચવટી વનમાં પાંચ પ્રકારના વૃક્ષોના વાવેતર કરવામાં આવ્યા છે.સામાન્ય રીતે પંચવટીની રચના વર્તુળ આકારમાં કરવામાં આવે છે. આ વનમાં કુલ ૩૯ વૃક્ષો જેમાં બિલીના ૪, વડના ૪, અશોકના ૨૫, આમળાના ૨ અને પીપળાના ૪ વૃક્ષનું વાવેતર કરાયુ છે. નવગ્રહ વનનું પણ વિશેષ મહત્વ છે.આપણી ઉપર પડતાં પ્રતિકૂળ પ્રભાવના નિવારણના અનેક ઉપાયો આપના શાસ્ત્રમાં સૂચવવામાં આવ્યા છે જેમાં વૃક્ષ ઉપાસના એક મહત્વનો ઉપાય છે. આ વનમાં ગ્રહોના આધારે અઘેડો, ખીજડો, દર્ભ,પીપળો, ધરો,ખેર,આંકડો, ઉબરો, ખાખરો જેવા વૃક્ષોનું વાવેતર કરાયું છે. વનસ્પતિની રાણી તરીકે તુલસી ઓળખાય છે.સાથોસાથ આયુર્વેદિક ઉપચારમાં પણ તુલસીનું વિશેષ મહત્વ છે.આ વનમાં તુલસીની વિવિધ જાતો રામ તુલસી, શ્યામ તુલસી, વાના તુલસી, ડમરો તુલસીનું વાવેતર કરવામાં આવ્યું છે.
આરોગ્ય વનમાં વિવિધ પ્રકારના આયુર્વેદિક ઉપચારમાં ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વનમાં આરોગ્ય માટે ઉપયોગી અનેક વૃક્ષો આવેલા છે. આરોગ્ય વનમાં આમળા, બહેડા, હરડે, અર્જુન સાદડ આવેલા છે. જે શરીરને વધુ સ્વસ્થ બનાવવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત શહિદવનમાં સાંસ્કૃતિક વનો જેમાં ચંદન વન, કૈલાશવન, રુદ્રાક્ષ વન, બીલી વન, પંચવટી વન, રાશિ વન, નક્ષત્ર વન પણ આવેલા છે.શહિદવનમાં એક સ્મૃતિવન પણ છે.જ્યાં ભુચરમોરીના યુદ્ધમાં બલિદાન આપનાર ઝાલાવાડ, સોરઠ, હાલાર અને ગોહિલવાડના શહીદોની પુણ્યસ્મૃતિમાં વિવિધ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.
ઇતિહાસ અને પર્યટન સ્થળ સાથે પર્યાવરણનું જતન કરતાં શહિદવનમાં કોતરણીવાળો કલાત્મક ગેઇટ, ગીરનારની જાખી, વન કુટીર, લોન ગાર્ડન, વન દેવી, જામ અજાજીનો સ્ટેચ્યુ અને તેની યુઘ્ઘની ઝાખી બતાવતા ત્રણ મ્યુરલો, કેકટસ હાઉસ, ઉજાણીગૃહ તથા બાળકોના મનોરંજન માટે જુદી જુદી રાઇડસ વિગેરે આકર્ષણનું કેન્દ્ર છે. સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ શહિદવનમાં વિવિધ વૃક્ષોના વાવેતર થકી આજુબાજુના વાતાવરણમાં ઠંડક અને હકારાત્મકતાનો અનુભવ થાય છે. પૃથ્વીને પ્રદૂષણથી બચાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની પ્રથા શરૂ કરવામાં આવી હતી. પર્યાવરણીય મુદ્દાઓ વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ૫જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણના અસ્તિત્વ થકી જ પૃથ્વી પર માનવજીવન શક્ય બન્યું છે. માટે આપણે સૌએ પર્યાવરણનું જતન કરવું જોઈએ વૃક્ષો વાવવાના મહત્વને ઓળખીએ અને આ દિશામાં શક્ય તેટલું યોગદાન આપવાની જવાબદારી લઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application