14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસઃ હિન્દી ભાષા રાષ્ટ્રની અસ્મિતા અને ગૌરવનું પ્રતિક: જાણો...હિન્દી દિવસનો ઇતિહાસ અને મહત્વ

  • September 13, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૪મી સપ્ટેમ્બર એ દરેક ભારતીય માટે ખરેખર ગર્વનો દિવસ છે. આખા દેશને એક કરતી ભાષા હિન્દીનો આ દિવસ છે. ભારતમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે ૧૪ સપ્ટેમ્બરે 'રાષ્ટ્રીય હિન્દી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. જયારે સમગ્ર વિશ્વમાં ૧૦ જાન્યુઆરીએ 'વિશ્વ હિન્દી દિવસ'ની ઉજવણી કરાય છે. દેશભરની શાળા-કોલેજો, સરકારી કચેરીઓ અને સામાજિક સંસ્થાઓમાં હિન્દી દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે.



શા માટે ૧૪ સપ્ટેમ્બરે ઉજવાય છે હિન્દી દિવસ?

ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૪ સપ્ટેમ્બર, ૧૯૫૩ના રોજ હિન્દી દિવસની દર વર્ષે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. આઝાદીના બે વર્ષ પછી ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં સર્વસંમતિથી હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાની વિનંતીને ધ્યાને લઈને સમગ્ર ભારતના દરેક પ્રદેશમાં હિન્દીનો પ્રચાર કરવા માટે ૧૪ સપ્ટેમ્બરને દર વર્ષે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દીને જનતાની ભાષા ગણાવી હતી. તેઓ ઈચ્છતા હતા કે હિન્દી રાષ્ટ્રભાષા બને. ઈ.સ. ૧૯૧૮માં આયોજિત હિન્દી સાહિત્ય સંમેલનમાં તેમણે હિન્દીને જનતાની ભાષા ગણાવીને તેને રાષ્ટ્રભાષા બનાવવાનું સૂચવ્યું હતું. 



હિન્દી દિવસનું મહત્વ 

સાંસ્કૃતિક વિવિધતાથી સભર ભારતમાં હિન્દી દિવસનું મહત્વ ઘણું વધારે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં લોકોનો ખોરાક, જીવનશૈલી, પહેરવેશ, શારીરિક રચના, વિચારધારા પણ અલગ-અલગ છે. હિન્દી ભાષા વિવિધ પ્રદેશોના લોકોના હૃદયના અંતરને ઓછું કરી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે. હિન્દી ભાષા વિશ્વના ખુણાં-ખુણાં સુધી પહોંચે, તે માટે સરકાર તરફથી વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે અને તેની ફળશ્રૃતિ રૂપે આજે વિશ્વના અનેક દેશોમાં લોકો હિન્દી ભાષાથી પરિચીત થઈ રહ્યા છે.


કહેવાય છે કે 'હિન્દી' શબ્દ, ફારસી ભાષાના શબ્દ 'હિન્દ' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'સિંધુ નદીની ભૂમિ'. હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. દેશના ઘણા રાજ્યોમાં લોકો તેનો ઉપયોગ કરે છે.વિશ્વભરની સેંકડો યુનિવર્સિટીઓમાં હિન્દી શીખવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં કરોડો લોકો હિન્દી સમજી શકે છે. અમેરિકામાં ૧૫૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દી ભણાવવામાં આવે છે. હિન્દી માત્ર આપણી માતૃભાષા જ નથી પરંતુ રાષ્ટ્રની અસ્મિતા અને ગૌરવનું પ્રતિક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application