રાજકોટ શહેરમાં ડ્રોન ઉડાવવા બાબતે પોલીસ કમિશનરનું પ્રતિબંધાત્મક જાહેરનામું

  • March 05, 2023 05:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સુરક્ષાને ધ્યાને લઈ કરેલા શહેરમાં ડ્રોન ઉડાવવા બાબતે પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. 

      

આ જાહેરનામા મુજબ, સ્પેશિયલ બ્યૂરો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના વિવિધ ડેપો-કચેરીઓ, એરપોર્ટ,  ભારત પેટ્રોલિયમના વિવિધ ડેપો, સેન્ટ્રલ જેલ, ૬૬ કે.વી. ઈલેક્ટ્રીક પાવર સ્ટેશન, મેઇન રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેશન, આજી ડેમ પાસે દૂરદર્શનના ટ્રાન્સમીટર્સ, ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન-આકાશવાણી, પૂર્વ મુખ્યમંત્રીનું નિવાસ-સ્થાન, જિલ્લા કોર્ટ, પોલીસ કમિશનર ઓફિસ, એસ.પી. ઓફિસ, કલેક્ટર ઓફિસ, બી.એસ.એન.એલ. ટેલિફોન એક્સચેન્જ, અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, પંડિત દિનદયાલ સિવિલ હોસ્પિટલ, આજી ડેમ, ન્યારી ડેમ-૧, જી.એસ.સી.એસ.સી ફૂડ ગોડાઉન, એફ.સી.આઈ. ગોડાઉન ઘંટેશ્વર, એસ.આર.પી. ગ્રૂપ-૧૩-ઘંટેશ્વર, ગોપાલ ડેરી-દૂધસાગર રોડ, રેસકોર્સ ગાર્ડન, આજી રિવરફ્રન્ટ બ્રિજ-રેલવે સ્ટેશન પાસે, માઇક્રોવેવ ટાવર-રાજકોટ, રેલવે કંટ્રોલ ઓફિસ, પાણીનો ટાંકો-રેલવે સ્ટેશન, લોકો શેડ રેલવે સ્ટેશન, રેલવેના વિવિધ વિભાગ સહિતની જગ્યાઓ પર રિમોટથી સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન, એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર કે પેરાગ્લાઈડર, માઇક્રોલાઇટ એરક્રાફ્ટનો પરવાનગી વિના ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામું તા. ૩૦-૦૪-૨૦૨૩ સુધી અમલી રહેશે. 

      

ઉપરોક્ત સ્થળો સિવાયની જગ્યામાં ડ્રોન ઉડાડવા માટે ડ્રોન ચલાવનારા સંચાલક કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય, તેઓએ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે મોડલ, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે, અને તેનો ઉપયોગ કરતાં પહેલાં જે વિસ્તારમાં ઉપયોગ કરવાનું છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના થાણા-ઈન્ચાર્જની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. સુરક્ષા એજન્સીઓના રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફટને આ આદેશોમાં મુક્તિ આપવામાં આવે છે. આ આદેશોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application