સિંગર મૂસેવાલાનો હત્યારો ખુલ્લેઆમ અમેરિકામાં ફરી રહ્યો છે

  • April 21, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



  • લોરેન્સ બિશ્નોઇનો ભાઇ અનમોલ જાણીતા સિંગરની પાર્ટીમાં દેખાયો
  • પાર્ટીનો વીડિયો વાઇરલ થતાં સિદ્ધુના પિતા સરકાર પર વરસ્યા


પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાને એક વર્ષ થવા આવ્યું છે, પરંતુ હજી સુધી તેનો મુખ્ય આરોપી પોલીસની ધરપકડથી દૂર છે. હત્યાકાંડમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ પણ મુખ્ય આરોપી હતો. આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં અનમોલ અમેરિકામાં યોજાયેલી એક પાર્ટીમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.


જાણીતા સિંગર કરણ ઔજલા અને શૈરી માનની પાર્ટીમાં અનમોલની હાજરીના વીડિયોએ ખળભળાટ મચાવી દીધી છો. થોડા દિવસ પહેલા તેવી ખબર હતી કે અનમોલને કેન્યામાં ડિટેન કરવામાં આવ્યો છે. પરંતુ આ વીડિયોએ બધી પોલ છતી કરી છે. આ પરથી જાણ થાય છે કે તે અમેરિકામાં છુપાયેલો છે. ક્લિપ અંગે બંને સિંગરનું રિએક્શન સામે આવ્યું છે.

કરણ ઔજલા અને શેરી માને પોતાના તરફથી સફાઈ આપતાં લખ્યું એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે...

 તેઓ બંનેને એક વેડિંગ રિસેપ્શનમાં પર્ફોર્મ કરવા માટે બોલાવ્યા હતા. તેમના કહેવા મુજબ એક કલાકાર તરીકે તેમને જાણ નથી હોતી કે કયા ફંક્શનમાં કોણ સામેલ થશે અને કોણ નહીં. પોસ્ટમાં લખ્યું છે 'અમને કહેવામાં આવ્યું છે કે કોઈ શંકાસ્પદ શખ્સ અમારા શોમાં સ્પોટ થયો હતો. જ્યાં સુધી અમે વાઇરલ પોસ્ટ અને વીડિયો નહોતો જોયા ત્યાં સુધી અમને નહોતી ખબર કે તે કોણ હતો.

ઔજલાએ વધુમાં કહ્યું કે...

 હું એક કલાકાર છું અને માત્ર પોતાના કામ પર ફોકસ કરું છું. કામ કરીને ત્યાંથી નીકળી જાઉ છું. કોણ મહેમાન આવ્યું છે અને કોણ નહીં તે હું જોતો નથી'. જણાવી દઈએ કે, મૂસેવાલાની હત્યા કેસમાં કરણ ઔજલા પર પણ આરોપ લાગ્યા હતા. પરંતુ તેની વિરુદ્ધ પોલીસને કોઈ પુરાવા મળ્યા નહોતા.

સિદ્ધુ મૂસેવાલા કેસમાં અનમોલ બિશ્નોઈ મોસ્ટ વોન્ટેડ આરોપી હતો. 29 મે 2022ના રોજ મૂસેવાલાની હત્યા બાદ અનમોલે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો અને ફરાર થયો હતો. ત્યારથી પોલીસ હત્યાના આરોપીની સાથે-સાથે અનમોલની શોધમાં હતી. અનમોલ હજી પોલીસ પકડથી દૂર છે અને આ વીડિયો જોઈ મૂસેવાલાના પિતા પણ રોષે ભરાયા છે.


તેમનું કહેવું છે કે, તેમને સરકાર પર પર દયા આવી રહી છે કારણ કે તેઓ દબાણમાં આવીને ખોટું બોલી દે છે. જ્યારે સત્ય તો એ જ છે કે તેમના દીકરાના હત્યારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પહેલા ગોલ્ડી બ્રારની વિદેશમાં ધરપકડની ખબર ખોટી નીકળી હતી અને હવે અનમોલની.

સિદ્ધૂ મૂસેવાલાની વાત કરીએ તો, 29 મે 2022ના રોજ જ્યારે તે તેના બીમાર માસીના ખબરઅંતર પૂછવા માટે મિત્રો સાથે જઈ રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી. તે પોતાના ગામથી હજી થોડે જ દૂર પહોંચ્યો હતો ત્યારે ગાડીમાં આવેલા બે શખ્સોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. તેના પર 30 રાઉન્ડ ફાયરિંગ કરાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.



આશરે 2 ડઝન ગોળીઓ તેના શરીરમાં ઘૂસી ગઈ હતી. ગાડીમાં તેની બાજુમાં બેઠેલા મિત્રનું પણ મૃત્યુ થયું જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. મર્ડરના થોડા જ કલાકમાં ગોલ્ડી બ્રારે જવાબદારી માથે લીધી હતી. અંગત અદાવતમાં મૂસેવાલાની હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું, 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application