મેળા મેદાનમાં મેઘાએ ‘થનગનાટ’ સાથે ‘રમઝટ’ બોલાવતા ભરાયા પાણી!

  • October 10, 2024 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં બુધવારે સાંજે અને રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટા સાથે વરસાદ વરસતા શહેર અને જિલ્લામાં નવરાત્રિના આયોજનો અનેક જગ્યાએ રદ કરવા પડયા હતા જેમાં ચોપાટીના મેળા મેદાનમાં પણ થોડુ ઘણુ વરસાદી પાણી ભરાઇ જવાના કારણે થનગનાટ અને લીઓ એમ બે મોટા આયોજન રદ કરવાની ફરજ પડી હતી. તો ઓશિયાનિક મેદાન ઉંચાણવાળુ હોવાથી ખાસ કોઇ અસર નહી હોવાના કારણે ગરબાનું આયોજન યથાવત રાખવામાં આવતા ત્યાં મોડે સુધી ખેલૈયાઓએ રાસગરબાની રમઝટ બોલાવી હતી. 



પોરબંદર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને મોસમમાં  મોટો ફેરફાર જોવા મળ્યો હતો. બુધવારે બપોરબાદ ગ્રામ્ય પંથકના અનેક વિસ્તારોમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો અને પોરબંદર શહેર ઉપર પણ આઠ વાગ્યા બાદ અચાનક મેઘો ત્રાટકયો હતો જેના કારણે અનેક નાની મોટી ગરબીઓને રદ કરવાની ફરજ પડી હતી. કોઇપણ પ્રકારની આગાહી વગર અચાનક આવેલા વરસાદને કારણે ગરબીનો સામાન પણ પલળી ગયો હતો. કયાંક સીરીઝ સહિત ઇલેકટ્રોનિક ઉપકરણો અને સાઉન્ડ સીસ્ટમને પણ નુકશાન થયુ હતુ તો કયાંક ગરબાના મેદાનમાં જ પાણી ભરાઇ ગયા હતા જેના કારણે રાસ ગરબાનુ આયોજન કેન્સલ  કરવુ પડયુ હતુ. 


પોરબંદરના ચોપાટીના મેળામેદાન અને તેની આજુબાજુમાં સાત જેટલા  રાસ ગરબાના મોટા આયોજન થાય છે જેમાં અલગ અલગ સમાજના આયોજન ઉપરાંત સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ઉમંગ-ઉત્સાહ સાથે આયોજનો થયા હતા જેમાં ગઇકાલે વરસેલા વરસાદને કારણે ચોપાટીના મેળામેદાનના  અમુક ભાગમા પાણી ભરાઇ ગયા હતા તેથી લીઓ અને પાયોનીયરના મેદાનમાં પાણી ભરાતા આ આયોજનને રદ કરવુ પડયુ હતુ. સંચાલકો પ્રવીણભાઇ ખોરાવા અને ભરતભાઇ લાખાણીએ તકેદારીના ભાગ ‚પે આયોજન રદ કરતા જણાવ્યુ હતુ કે મેદાનમાં થોડુ પાણી ભરાયુ છે તે ઉપરાંત શોર્ટ સર્કિટ સહિત કોઇ ગંભીર દુર્ઘટના ઘટે નહી તે માટે ખેલૈયાઓના હિતમાં આયોજન રદ કર્યુ હતુ. એ જ રીતે થનગનાટ ગ્રુપ દ્વારા પણ થયેલ આયોજનને રદ કરવામા આવ્યુ હતુ. 
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયા અને તેની ટીમ દ્વારા સંચાલિત ઓશિયાનિક મેદાનના ‚મઝુમ રાસોત્સવને વરસાદની કોઇ ખાસ અસર થઇ ન હતી. તેમણે જણાવ્યુ હતુ કે તેમનુ ગરબામેદાન ઉંચાણવાળુ અને જાજમ પાથરેલી હોવાથી ખેલૈયાઓને કોઇપણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો  પડે તેવુ નહી હોવાથી આયોજન ચાલુ રાખવામાં આવ્યુ હતુ અને મોડી રાત્રિ સુધી અહીં રાસગરબાની રમઝટ બોલી હતી તથા ખેલૈયાઓ મન મૂકીને અહીંયા ગરબે રમ્યા  હતા.
આમ, પોરબંદરમાં આકસ્મિક અને અચાનક પડેલા વરસાદે અમુક ગરબા આયોજનોને રદ કરવાની ફરજ પાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application