ટોપ થ્રિ સર્કલ પાસે આવેલી સોસાયટીઓમાં તસ્કરો ત્રાટકી છ મકાનને નિશાન બનાવ્યા

  • December 09, 2023 06:55 PM 

શિયાળો ધીમી ગતિએ પ્રારંભ થવાની સાથે નિશાચરો પણ સક્રિય બન્યા હતા. ભાવનગર શહેરમાં એક સાથે છ મકાનને નિશાન બનાવી રોકડ સહીતની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા. શહેરના ટોપ થી સર્કલ પાસે આવેલી શિવ અમૃત સોસાયટી અને શ્રીનાથજી રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. માત્ર ચાર કલાકમાં જ છ મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી.


આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ટોપ થ્રી સર્કલ પાછળના ભાગે આવેલી શિવ અમૃત સોસાયટીમાં રહેતા મેહુલભાઈ ભાસ્કરભાઈ પંડયાએ ભરતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૦૫.૧૨ના રોજ તેઓ પરિવાર સાથે મહુવા અને રાજકોટ લગ્ન પ્રસંગે ગયા હતા. તે વેળાએ ગત તા. ૭ના રોજ મોડી રાત્રીના ૧.૦૦થી વહેલી સવારના ૫.૦૦ના અરસા દરમિયાન અજાણ્યા શખસોએ તેઓના રહેણાકી મકાનના તાળા નકુચા તોડી ગેરકાયદે પ્રવેશ કરી ઘરનો સર સામાન વેર વિખેર કરી નાથી કબાટમાં રાખેલા સોના ચાદીના દાગીના સોનાની ચુડી, સોનાની વીટી નંગ ત્રણ, ઓમકાર, સોનાની નાની મોટી બુટી નંગ છ, ચાંદીની ગાય, ચાંદીના છડા, ચાંદીના સાંકળા, ચાંદીના બ્રેસલેટ, ચાંદીનો જુડો, ચાંદીની વીટી, ચાંદીનો તુલસી ક્યારો અને રોકડ મળી કુલ રૂા. ૫૭,૮૫૦ના દર દાગીના ચોરી ફરાર બન્યા હતા.


જ્યારે ટોપ થ્રિ વિસ્તારમાં જ વધુ પાંચ મકાનમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો. તેઓના ઘર પાસે રહેતા શૈલેષભાઈ હસમુખભાઈ રાઠોડ, નિલેષભાઈ મયુરભાઈ ધાધલ્યા, જીવરામભાઈ નરશીભાઈ જાની તેમજ વસંત વિહાર સોસાયટીમાં રહેતા મયુરભાઈ હસમુખભાઈ ત્રિવેદી, ડી માર્ટ સામે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ ભીમદાસભાઈ કાપડીના મકાનમા પણ કસબ અજમાવ્યો હતો. ઉક્ત ચોરીના બનાવોના પગલે ભરતનગર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને સીસીટીવી ફુટેઝ આધારે તપાસ હાથ ધરી હતી. જયારે ફરીયાદ અનુસંધાને અજાણ્યા શખ્સ સામે આઈપીસી. ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો દાખલ કરી ભરતનગર પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application