ગુજરાત સરકારના MoU, ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી સાણંદમાં 22,516 કરોડનો સ્થાપશે પ્લાન્ટ

  • June 29, 2023 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક MoU કરવામાં આવ્યા છે. વિશ્વમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રની અગ્રેસર કંપનીઝ પૈકીની માઇક્રોન ટેક્નોલોજી ગુજરાતના સાણંદમાં ર.૭પ બિલિયન યુ.એસ ડોલર-રૂ. રર,પ૧૬ કરોડનો પ્લાન્ટ સ્થાપશે. સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ ATMP ફેસેલીટીઝ દ્વારા ડાયરેક્ટ-ઇન ડાયરેક્ટ મળી ર૦ હજાર જેટલી રોજગારીનું સર્જન થશે.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઊંચી ઊડાન ભરાવીને આત્મનિર્ભર ભારત સાકાર કરવા ૧૦ બિલિયન યુ.એસ ડોલરનો સેમીકોન ઇન્ડીયા પ્રોગ્રામ કેન્દ્ર સરકારે જાહેર કરેલો છે. વડાપ્રધાનશ્રીની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત દરમ્યાન યુ.એસ પ્રેસીડેન્ટ જો-બાઇડેન સાથેની બેઠકમાં આ પ્રોગ્રામને વધુ ગતિ આપતાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણ દ્વારા સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ ATMP ફેસેલિટી સ્થાપવાની જાહેરાત અમેરિકન પ્રમુખે કરી હતી.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ સફળ મુલાકાતની ફલશ્રુતિ રૂપે માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ર.૭પ બિલીયન યુ.એસ. ડોલર એટલે કે રૂ. રર,પ૦૦ કરોડ કરતાં વધુના રોકાણથી ગુજરાતના સાણંદમાં આ ATMP ફેસેલીટી શરૂ કરવામાં આવશે. વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઝમાંની એક એવી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે આ સંદર્ભમાં ઐતિહાસિક MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ શ્રી ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં સુદ્રઢ મેન્યુફેક્ચરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-વેપાર માટેનું સાનુકૂળ વાતાવરણ અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ સહયોગ ઉપરાંત સુઆયોજિત ટેલેન્ટ પૂલની ઉપલબ્ધિ જેવી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને માઇક્રોને પોતાની આ મેન્યુફેક્ચરીંગ ફેસેલીટી શરૂ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-ર૦રર-ર૭ ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦રર માં જાહેર કરવામાં આવેલી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળવત્તર બનાવતી આવી પોલિસી ઘડનારૂં ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે. એટલું જ નહિ, રાજ્યમાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (GSEM) ની સ્થાપના કરી છે.   


આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. પાંચ હજાર પ્રત્યક્ષ અને ૧પ હજાર પરોક્ષ મળી કુલ ર૦ હજાર રોજગારીનું સર્જન થશે. ગુજરાત સરકાર અને માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે થયેલા આ MoU દેશ માટે સિમાચિન્હ રૂપ ક્ષણ છે. આ ક્ષેત્રને અનુરૂપ રો-મટિરિયલ અને ફિનીશ્ડ પ્રોડક્ટસ માટેના આનુષાંગિક ઉદ્યોગો પણ ગુજરાતમાં આકર્ષિત થતાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ મળશે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશને રાજ્યમાં પ્લગ એન્ડ પ્લે સુવિધા સાથેની ૪પ,૦૦૦ હેક્ટર જમીન ડેવલપ કરી છે. માઇક્રોને પોતાની નવી ATMP ફેસિલિટી માટે સાણંદ GIDC-II ને પસંદ કરી છે. સાણંદ GIDC હાઇલી ઇન્ડસ્ટ્રીયલાઇઝડ ઝોન છે, અહીં અનેક નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application