ગુજરાત હાઇકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ વખારીયાનું 92 વર્ષની વયે અવસાન, વકિલ જગતમાં શોક

  • January 23, 2023 04:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ગુજરાત હાઇકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ વખારીયાનું આજ રોજ અવસાન થતાં વકિલ જગતમાં શોકનો માહોલ ફેલાયો છે. મહત્વનું છે કે, તેમની ઓફિસે ચાર હાઈકોર્ટના ન્યાયાધીશો અને તુષાર મહેતા સહિત ઘણા નિયુક્ત વરિષ્ઠ વકીલો પણ આપ્યા છે


આજ રોજ ગુજરાત હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રીનું કૃષ્ણકાંતભાઈ વખારીયાનું અવશાન થયું છે. જેને લઈને પરીવારજનોમાં તેમજ વકિલ જગતમાં શોકનો માહોલ છે. મહત્વનું છે કે તેઓ બંધારણીય નિષ્ણાંત અને જાહેરજીવનના મોભી તેમજ વર્ષો સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં વર્ષો સુધી સભ્ય તરીકે ચૂંટાયેલા અને વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે રહેલા હતા.


અમરેલીના વતની કૃષ્ણકાંતભાઈ વખારીયાએ પ્રાથમિક દિવસોમાં વિદ્યાર્થી રાજકારણ, કોંગ્રેસની ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ હેઠળ મજૂર સંઘની પ્રવૃત્તિઓ કરી હતી. તેમની ઓફિસે ચાર હાઈકોર્ટના ન્યાયાધીશો અને તુષાર મહેતા સહિત ઘણા નિયુક્ત વરિષ્ઠ વકીલો પણ આપ્યા છે. મહત્વનું છે કે, હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ વકીલોમાંના એક કૃષ્ણકાંતભાઈ વખારિયા રાજ્યમાં અને બહારના એક શક્તિશાળી ગુજરાતી સંગઠન વિશ્વ ગુજરાતી સમાજના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા પ્રમુખ પણ હતા.


1957માં બીજી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી 

કૃષ્ણલાલ ગુલાબચંદ વખારીઆ. આ નામે તેમણે 1957માં બીજી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. લોકસભા બેઠકનું નામ ગિરનાર અને રાજકીય પક્ષનું નામ – પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી. સમય જતા એ અમરેલી લોકસભા બેઠક તરીકે ઓળખાવાઈ. કૉંગ્રેસની હાજરી વચ્ચે જેના ઉમેદવારોની નોંધ લેવી પડે એ પક્ષનું ટૂંકમાં નામ PSP. કૃષ્ણલાલ વખારીઆ એમાં પરાજિત થયા હતા.


વકીલાતમાં થયા સફળ

કૃષ્ણકાંત વખારીઆ વકીલાતમાં સફળ થયા. આ નામે જ જાહેર ઓળખ પામ્યા. છ દાયકાની વકીલાત સાથે આજે તેઓ આયુષ્યના દસમા દાયકામાં છે. પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. જીવનસાથીનું નામ લીલાબહેન. પુત્ર મેહુલ વખારીઆ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ છે. બે પુત્રીઓ નામે અવની મહેતા અને બિંદુબહેન ઠક્કર તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.


સૌરાષ્ટ્રના બગસરા ગામના વતની

સૌરાષ્ટ્રના બગસરા ગામના વતની તેમનો જન્મ મોસાળ બાબરામાં 16 સપ્ટેમ્બર 1930ના રોજ થયો હતો. એ સમયે રાજકોટ જિલ્લાના આ બન્ને ગામ હવે અમરેલી જિલ્લાનો હિસ્સો ગણાય છે. તેમના પિતા પાટડીના દિવાન હતા. પાટડી જેવા નાના ગામમાં ભણવાનું શક્ય નહોતું એટલે શિક્ષણની શરૂઆત વિરમગામમાં હોસ્ટેલમાં રહીને કરી. એ પછી માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં તેમજ બહાઉદ્દીન કોલેજમાંથી બી. એ. થયા. જૂનાગઢના દિવાને 1947માં પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું તો એનો મુસદ્દો જોવા તેઓ મિત્રો સાથે રાજના પ્રેસ પર ગયા હતા. એ જ મિત્રો સાથે આ અતાર્કિક જોડાણનો વિરોધ કરવા ભૂગર્ભ પ્રવૃત્તિ આદરી જે ‘આરઝી હકૂમત’ સંગઠન સ્વરૂપે ઓળખાયું. ચળવળને કારણે દિવાન પાકિસ્તાન ભેગા થયા અને કૃષ્ણકાન્તભાઈ વકીલાતનું ભણવા અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કોલેજ ભેગા થયા.


ધીરજલાલ હીરાચંદ અંબાણી સાથે થઈ મિત્રતા

જૂનાગઢમાં ભણતા હતા એ સમયે ચોરવાડથી આવેલા યુવાન ધીરજલાલ હીરાચંદ અંબાણી સાથે મિત્રતા થઈ. સમય જતા રિલાયન્સ ઉદ્યોગ સમૂહના સ્થાપક તરીકે ઓળખાયા એ જ ધીરુભાઈ અંબાણી.


રાજકોટથી વકીલાતની કારકિર્દી 1954માં શરૂ કરી

કૃષ્ણકાન્તભાઈએ રાજકોટથી વકીલાતની કારકિર્દી 1954માં શરૂ કરી. એ સમયે મુંબઈ હાઇકોર્ટની એક બેન્ચ રાજકોટમાં હતી. 1960માં અલગ ગુજરાત રાજ્ય સાથે ગુજરાત હાઇકોર્ટ અસ્તિત્વમાં આવી એટલે તેઓ રાજકોટ છોડી અમદાવાદ આવી ગયા. મોટાભાઈ નૌતમભાઈ ગુજરાત સરકારના ચીફ એન્જિનિયર હતા. એમનો ટેકો હતો એથી અમદાવાદમાં સ્થાયી થઈ શક્યા. એવા સ્થાયી થયા કે ‘રિલાયન્સ’ જૂથ માત્ર લોગો વડે ઓળખાતી કંપની બની ગઈ ત્યારે ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ રમણીકભાઈ અંબાણી નવરંગપુરામાં તેમની પડોશમાં રહેવા આવી ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application