ધો. ૧૨ જામનગર જીલ્લાનું ૮૦.૨૮ અને દ્વારકા જીલ્લાનું ૮૦.૯૦ ટકા પરિણામ

  • May 31, 2023 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં એ-૧માં ૪૨, એ-૨માં ૬૬૪, દ્વારકામાં એ-૧માં ૭ અને એ-૨માં ૨૩૩ છાત્ર ઝળકયા : દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યમાં સાતમા ક્રમે :  હાલારમાં ધ્રોલ કેન્દ્ર ૮૫.૬૩ ટકા સાથે અવ્વલ : કાલાવડ કેન્દ્રનું ૮૪.૧૬ ટકા, જામખંભાળીયા કેન્દ્રનું ૮૩.૨૯ ટકા રિઝલ્ટ

ગુજરાત માઘ્યમીક અને ઉચ્ચતર માઘ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૩માં લેવાયેલ ધો. ૧૨ સા.પ્ર., વ્યવસાયલક્ષી અને ઉ.ઉ.બુ. પ્રવાહનું આજે સવારે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું, જેમાં જામનગર જીલ્લાનું ૮૦.૨૮ ટકા ઝળહળતું પરિણામ આવ્યું છે, જો કે એ-૧ ગ્રેડમાં માત્ર ૪૨ વિધાર્થીઓને સ્થાન મળ્યું છે, એ-૨ ગ્રેડમાં ૬૬૪ છાત્રોનો સમાવેશ થાય છે, દેવભુમી દ્વારકા જીલ્લાનું ૮૦.૯૦ ટકા જેમાં માત્ર સાત વિધાર્થી એ-૧ગ્રેડમાં સ્થાન મેળવી શકયા છે, ધ્રોલ કેન્દ્રએ ફરી એકવાર બાજી મારી છે અને ૮૫.૬૩ ટકા સાથે અવ્વલ રહયું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સ અને ધો. ૧૦ના પરિણામો જાહેર કર્યા બાદ આ વર્ષે પ્રથમ વખત સામાન્ય પ્રવાહનું પરિણામ છેલ્લે રાખ્યું હતું, આજરોજ બોર્ડની વેબસાઇટ પર ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઇન મુકવામાં આવ્યુ હતું, ગઇકાલે પરિણામ જાહેર થતાની સાથે જ વિધાર્થી-વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, સાઇટ અને પરિણામ જોવા માટે આપેલ નંબરો પર વહેલી સવારથી જ વિધાર્થીઓ પોતપોતાના પરિણામ જાણવા ભારે ઉત્સાહ દેખાડયો હતો અને ઉચ્ચ ગુણાંક મેળવેલ તથા પાસ થયેલા વિધાર્થીઓએ એકબીજાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજે જાહેર થયેલા ધો. ૧૨ સા.પ્ર.ના જામનગર જીલ્લાના પરિણામ પર નજર દોડાવીએ તો જામનગરમાં ૯૦૨૫ વિધાર્થી નોંધાયા હતા, જેમાં ૯૦૦૨ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, જીલ્લાનું પરિણામ ૮૦.૨૮ ટકા આવ્યું છે, જેમાં એ-૧ ગ્રેડમાં ૪૨, એ-૨માં ૬૬૪, બી-૧માં ૧૪૩૭, બી-૨માં ૧૮૨૧, સી-૧માં ૧૯૧૦, સી-૨માં ૧૧૮૩, ડીમાં ૧૬૯, ઇ-૧માં ૧નો સમાવેશ થાય છે.
જામનગર કેન્દ્રનું ૭૮.૫૭ ટકા, જયારે ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૮૫.૮૩ ટકા, કાલાવડ કેન્દ્રનું ૮૪.૧૬ ટકા, લાલપુર કેન્દ્રનું ૭૬.૨૪ ટકા, જામજોધપુર કેન્દ્રનું ૮૧.૨૦ ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ જીલ્લામાં આ વખતે સારું પરિણામ જોવા મળ્યું છે, વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહયો છે.
ખંભાળીયાથી અમારા પ્રતિનિધીના અહેવાલ મુજબ, લાંબી ઇન્તેજારી બાદ આજરોજ ગુજરાત રાજ્યના ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યનું પરિણામ નોંધપાત્ર ટકાવારીમાં ઘટ્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વધુ એક પરિણામ ગત વર્ષ કરતા સુધર્યું છે. નવમાં ક્રમમાં રહેલો દ્વારકા જિલ્લો આ વખતે સમગ્ર રાજ્યમાં સાતમા ક્રમે ઝળક્યો છે.
માર્ચ - ૨૦૨૩ માં લેવામાં આવેલી ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સમગ્ર રાજ્યનું પરિણામ ૭૩.૨૭ ટકા આવ્યું છે. જેમાં સાતમા ક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લો ૮૦.૯૦ ટકા પરિણામ સાથે અગ્રસ્થાને રહ્યો છે.
આજરોજ જાહેર થયેલા ધોરણ ૧૨ ના બોર્ડના પરિણામમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૨૩૩ વિદ્યાર્થીઓએ એ-૨, ૬૫૫ વિદ્યાર્થીઓએ બી-૧, ૮૮૧ વિદ્યાર્થીઓએ બી-૨, ૯૧૮ વિદ્યાર્થીઓએ સી-૧, ૫૩૮ વિદ્યાર્થીઓએ સી-૨ અને ૫૮ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો. ભાણવડ તાલુકાના રૂપા મોરા ગામની સરકારી શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે.
દ્વારકા જીલ્લાના કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો મીઠાપુર કેન્દ્રનું ૮૦.૫૯ ટકા, જામખંભાળીયા કેન્દ્રનું ૮૩.૨૯ ટકા, દ્વારકા કેન્દ્રનું ૬૬.૧૯ ટકા, ભાટીયા કેન્દ્રનું ૭૯.૭૫ ટકા અને ભાણવડ કેન્દ્રનું ૮૩.૮૪ ટકા સારું પરિણામ આવ્યું છે. દ્વારકા જીલ્લામાં સૌથી વધુ ખંભાળીયા કેન્દ્રએ મેદાન માર્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માસના પ્રારંભમાં જાહેર થયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા તેમજ ગત સપ્તાહમાં જાહેર થયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાના પરિણામોમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ અગાઉના વર્ષો કરતા વધુ સારું આવ્યું છે. જેમાં આ વખતે પણ ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહમાં નોંધપાત્ર સુધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application