ગુજરાતીમાં કહેવત છે કે નવે નાકે દિવાળી. જેનો ભાવાર્થ એવો થાય છે કે નકટા લોકોનું નાક ગમે તેટલી વખત કાપો તે ફરી ઉગી જાય અને તેઓ નવા નાકે દિવાળી મનાવે. આવું જ કંઇક રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ચાલી રહ્યું છે. કાયદા અને નિયમોનો ભંગ કરવા બદલ જે આર્કિટેક્ટ્સના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવા આર્કિટેક્ટ્સ અન્યના નામે બેફામ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આવી અન-એથિકલ પ્રેક્ટિસ તાકિદે બંધ થવી જરૂરી છે. ખરેખર તો જેમનું લાયસન્સ સસ્પેન્ડ થયું હોય તેવા આર્કિટેક્ટ્સને મહાનગરપાલિકા કચેરીમાં પ્રવેશવા ઉપર જ પ્રતિબંધ મુકવો જોઇએ જેથી તેઓ પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે નહીં.
રાજકોટ મહાપાલિકાના વર્તુળોમાં ખુલ્લેઆમ ચર્ચાતી વિગતો મુજબ, દીપક મેઘાણી અને વિપુલ કે.કાસમપરા સહિતના બન્નેના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ હોવા છતાં બન્ને ટીપી બ્રાંચમાં અન્યના નામે કામગીરી કરી રહ્યા છે એટલું જ નહીં પ્લાન ઇનવર્ડ થાય ત્યાંથી લઇને બીયુપી ઇસ્યુ કરાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે, ઉપરોક્ત બન્ને ઉપરાંત પણ અનેક આર્કિટેક્ટ્સ અને કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સ પણ આ પ્રકારે જ આવી પ્રવૃતિઓ કરી રહ્યા છે કારણ કે કયા આર્કિટેક્ટ કે કયા એન્જીનિયરનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે તેની વિગતો ક્યારેય વિશાળ જનહિતમાં જાહેર કરાતી નથી જેના પરિણામે સામાન્ય શહેરીજનો આવા લોકોની પ્રવૃત્તિઓથી પરિચિત થતા નથી. છીંક આવે તો પણ મહાપાલિકા તંત્ર તુરંત જ છીંક ખાવાની કાર્યવાહી કરી તેવી અખબારી યાદી રિલીઝ કરે છે અને કોના માર્ગદર્શન હેઠળ છીંક ખાધી ત્યાંથી શરૂ કરીને છીંક આવ્યા બાદ કઇ કંપનીના રૂમાલથી નાક લુછ્યુ ત્યાં સુધીના તમામના નામો પણ યાદીમાં જાહેર કરે છે પરંતુ રાજકોટ મનપાની વેબ ઉપર ક્યારેય પણ લાયસન્સ સસ્પેન્ડ કરાયું હોય તેવા આર્કિટેક્ટ્સના નામ મુકાતા નથી કે તે અંગેની પ્રેસ રિલીઝ પણ કરાતી નથી. રાજકોટમાં છેલ્લા પાંચેક વર્ષમાં અંદાજે ૩૦ જેટલા આર્કિટેક્ટના લાયસન્સ સસ્પેન્ડ થયા છે પરંતુ રાજકોટવાસીઓને તેમના નામ સુધ્ધાં ખ્યાલ નથી. સસ્પેન્ડેડ આર્કિટેક્ટ્સ ટીપી સ્ટાફ સાથે મિલીભગત કરી ધાર્યા નિશાન પાર પાડી રહ્યા હોય તેમના સસ્પેન્શનનો કોઇ અર્થ જ રહેતો નથી.
દરમિયાન તાજેતરમાં તો લાયસન્સ સસ્પેન્ડ હોય તેવા આર્કિટેક્ટ્સએ નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે જેમાં તેઓ ટીપી બ્રાન્ચ સાથે મેળાપીપણું આચરીને ફાઇલ આગળ ધપાવે છે અને જો સેટિંગ ન થાય અને પકડાઇ જાય તેમ હોય તો ૨૪થી ૭૨ કલાકમાં પોતાની જ એસોસિએટ ફર્મના કોઇ જુનિયરના નામે અથવા તો અન્ય આર્કિટેક્ટ્ના નામે ફાઇલ આગળ ધપાવે છે. આવું છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યું છે, સાચા અરજદારો પરેશાન થઇ રહ્યા છે અને ખોટા અરજદારો જલસા કરી રહ્યા છે. એકંદરે લાયસન્સ સસ્પેન્ડ હોય તેવાને કચેરીમાં પ્રવેશ ઉપર જ પ્રતિબંધ મુકાય તે જરૂરી છે. ટીપી બ્રાન્ચનો સ્ટાફ તો આવા સસ્પેન્ડેડને આવતા રોકવાને બદલે પ્રસાદીપ્રેમી બનીને અચ્છોવાના કરી રહ્યો હોવાની વાત સર્વવિદિત છે.
સ્ટાફની જેમ આર્કિટેક્ટ્સ ફાઇલો ફેરવવા લાગ્યા છે
કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સ એસોસિએશન ઓફ રાજકોટના પૂર્વ પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર મિરાણીએ આ અંગે જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફાઇલ લેવા-મુકવા કે પહોંચાડવાની જવાબદારી મ્યુનિ.ટીપી સ્ટાફની હોય છે પરંતુ હાલમાં અમુક આર્કિટેક્ટ્સ આવી દલાલ અને એજન્ટ જેવી કામગીરી કરવા લાગ્યા છે. છતાં તેમને કોઇ રોકતું કે ટોકતું નથી તેમજ તેમના ઉપર પ્રતિબંધ પણ મુકાતો નથી. લાયસન્સ સસ્પેન્ડ કરવા નોટિસ આપ્યા પછી સેટિંગ થઇ જાય તો પગલાં પણ લેવાતા નથી.
આર્કિટેક્ટ્સના ખેલ બંધ કરાવવાના પ્રયાસો રહેશે
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતનભાઇ સુરેજાએ જણાવ્યું હતું કે લાયસન્સ સસ્પેન્ડ થયા પછી પણ મહાનગરપાલિકામાં પડ્યા પાથર્યા રહેતા હોય અને કામ કરાવતા હોય તેવા આર્કિટેક્ટ્સ અને કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સ સામે પગલાં લેવા તેઓ મ્યુનિસિપલ કમિશનરને આદેશ કરશે. તદઉપરાંત સ્ટાફની જવાબદારી પણ ફિક્સ કરાશે. ટૂંક સમયમાં તેઓ મ્યુનિ.કમિશનર, ડે.કમિશનરો, સિટી ઇજનેરો અને ઇન્ચાર્જ ટીપીઓ સાથે આ મુદ્દે મિટિંગ યોજશે તેમ ઉમેર્યું હતું.
ટાઉટ, એજન્ટ, બ્રોકર્સની હકાલપટ્ટી કરવી હિતાવહ
રિઅલ રાજકોટ ડેવલપર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને આર્કિટેક્ટ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાંથી ટાઉટ, એજન્ટ અને બ્રોકર્સ દૂર થવા જોઇએ, આ તત્વો કોઇ ટેક્નિકલ પર્સન નથી તેમ છતાં સ્ટાફ સાથે મિલીભગતથી પોતાનું હિત પાર પાડવા અને સ્વાર્થ સાધવા માટે આવતા હોય છે. ટીપી સ્ટાફએ પણ આવા તત્વોને એન્ટરટેઇન કરવા ન જોઇએ. કચેરીમાં પડ્યા પાથર્યા રહેતા આવા તત્વોને દૂર કરવા માટે જેટલી ઝડપી કાર્યવાહી કરાય તે આવકાર્ય અને ઇચ્છનીય છે.
મ્યુનિ.કમિશનર સુમેરા ક્યાં સુધી નવનિયુક્ત રહેશે? પગલાં લેશે ?
રાજકોટવાસીઓને નવનિયુક્ત મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા પાસે શહેરને ઘણી આશાઓ છે અને ખાસ કરીને શહેરના રૂંધાયેલા વિકાસને તેઓ આગળ ધપાવે તેવી અપેક્ષા મુખ્ય છે. સસ્પેન્ડેડ આર્કિટેક્ટ્સ સામે મ્યુનિસિપલ કમિશનર પગલાં લ્યે તેવી પ્રબળ માંગ ઉઠી છે. કમિશનર સુમેરાએ રાજકોટમાં ચાર્જ સંભાળ્યો તેને બે મહિના પૂર્ણ થવા આવ્યા છે ત્યારે તેઓ ક્યાં સુધી નવનિયુક્ત રહેશે ? ટીપી બ્રાન્ચમાં સસ્પેન્ડેડ આર્કિટેક્ટ્સ અને તેના મળતીયા દ્વારા કરાતી પ્રેક્ટિસ મામલે ક્યારથી પગલાં લેશે ? તેના ઉપર સૌની મીટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech