ભાણવડના વિજયપુરમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મૃત્યુ

  • September 12, 2023 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંથકમાં ઘેરા શોકની લાગણી: વ્હેલી સવારે લઘુશંકા કરવા ગયા બાદ અચાનક બાળક ઢળી પડ્યો: નાની વયે હ્યદયના હુમલાના વધી રહેલા ચિંતાજનક બનાવ


છેલ્લા કેટલાક મહિનાઓથી નાની વયે હ્યદયરોગના હુમલાથી મૃત્યુના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ખાસ કરીને ર0 થી 40 વર્ષની વય વચ્ચેના વ્યક્તિઓને હાર્ટએટેક આવતા મૃત્યુને ભેટ્યાના બનાવ તાજેતરમાં બહાર આવ્યા હતા, દરમ્યાન ભાણવડ પંથકમાં માત્ર 11 વર્ષના બાળકને એટેક આવ્યાનું બહાર આવતા ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.


ભાણવડના વિજયપુર ગામે અગિયાર વર્ષના બાળકને વ્હેલી સવારે હાર્ટએટેકનો જોરદાર હુમલો આવતા સારવાર મળે તે પહેલા જ તેનું કણ મોત થયું છે, સગર જ્ઞાતિના બાળકના મોતથી વિજયપુર ગામમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.


કણ બનાવની મળતી વિગતો મુજબ ભાણવડથી ત્રણ કીલોમીટર દૂર બરડા ડુંગરની ગોદમાં વિજયપુર ગામે વસવાટ કરતા અગિયાર વર્ષની વયનો દુષ્યંત ઘનશ્યામભાઇ પિપરોતર (ઉ.વ. 11) જાતે સગર વ્હેલી પરોઢીયે પોતાના ઘરે નિંદરમાંથી ઉઠી પેશાબ કરવા ગયો હતો, ત્યારબાદ તે ઘરમાં પરત ફરી રહ્યો હતો, તે દરમ્યાન અચાનક ફસકાઇ પડી ઢળી પડ્યો હતો, આ બનાવની તેના પરિવારજનોને ખબર પડતા જ અવાચક બની ગયો હતો.


પરંતુ પરિવારજનોને ગંભીર હાલતમાં ભાણવડ ખાતે દવાખાને લઇ આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં કાળો કલ્પાંત મચી ગયો હતો, બાળકના માતા-પિતાના આક્રંદથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. આ બનાવની તપાસ હાથ ધરતા બાળ વિદ્યાર્થી દુષ્યંત ઘનશ્યામભાઇ પિપરોતર છઠ્ઠા ધોરણમાં વિજયપુર ગામમાં જ અભ્યાસ કરી રહ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી નાની વયે હાર્ટએટેકના કારણે મૃત્યુના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે, જામનગરમાં તાજેતરમાં ત્રણથી ચાર બનાવ બહાર આવ્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાનવયે હાર્ટએટેકથી મૃત્યુ થયાના જુદા જુદા બનાવ છેલ્લા બે-ત્રણ મહિનામાં બહાર આવ્યા હતા, જેના કારણે ચિંતાની લાગણી જન્મી હતી, દરમ્યાનમાં ભાણવડના વિજયપુર ગામમાં માત્ર 11 વર્ષની વય ધરાવતા બાળકને હાર્ટનો હુમલો આવતા મૃત્યુ નિપજ્યાના બનાવે પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application