અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ૧૧૮મું અંગદાન, પરિવારજનોને અંગદન માટે પ્રેરિત કરે છે ડોક્ટર્સ

  • July 09, 2023 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૮મું અંગદાન થયું છે. ભાવનગરના મહુવા ખાતે રહેતા દયાબહેન ચુડાસમાને ૬ જુલાઈએ માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં 35 વર્ષીય દયાબહેનને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ. સ્થિતિ ગંભીર બનતા બહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલમાં લાવ્યા ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી હતી. સિવિલના તબીબોએ સતત સધન સારવાર ચાલુ રાખી, પરંતુ ૪૮ કલાકના અંતે તેમણે અંતિમ શ્વાસ લીધા. સિવિલના તબીબો દ્વારા દયાબહેનને બ્રેઇનડેડ જાહેર કરાયાં.

બ્રેઇનડેડ જાહેર થતાં તબીબો દ્વારા તેઓને પરિજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા. પરિજનોએ પણ અંગદાનનું મહત્ત્વ સમજીને પોતાના સ્વજન અન્યના જીવનમાં ગુંજારવ પાથરી શકે જરૂરિયાતમંદ અને પીડિતનું જીવન કાર્યક્ષમ બનાવી શકે તેવા ઉમદા ભાવ સાથે અંગદાનનો જનહિતકારી નિર્ણય કર્યો.

પરિજનોના નિર્ણય બાદ દયાબહેનને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. ૬થી ૭ કલાકની ભારે જહેમતના અંતે ૨ કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. આમ ત્રણ જરૂરિયાતમંદોનું જીવન આ અંગોના પ્રત્યારોપણ બાદ સ્વાસ્થ્યસભર બનશે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, બ્રેઇન ડેડ વ્યક્તિના પરિજનો દ્વારા કરવામાં આવતો અંગદાનનો નિર્ણય પ્રશંસનીય છે. એક સમાપ્ત થતું જીવન અન્ય લોકોના જીવનના બીજા ઇનિંગ્સની શરૂઆત કરીને અન્યને નવજીવન આપી જાય તેનાથી ઉમદા કાર્ય સમાજમાં અન્ય કોઈ જ ન હોઈ શકે. અત્યારે સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૮ અંગદાતાઓએ ૩૫૬ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application