જામનગરના કુબેરપાર્ક જવાના રોડ પર નવા પુલીયા પાસે મોટરસાયકલના ચાલકે ગફલતથી ચલાવીને પુલીયા નીચે ખાબકતા પાછળ બેઠેલા એક તરૂણનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું જયારે ચાલકને પણ ગંભીર ઇજા પહોચી હતી, ઉપરાંત ગઇકાલે સવારે ધુંવાવ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એક ખેતમજુર યુવાનનું મૃત્યુ થયુ છે અને બાળક સહિત બે વ્યકિતને ઇજા પહોચી હતી આ બનાવમાં કારચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
જામનગરના કિશાનચોક રોડ, ચુનાનો ભઠ્ઠો, ઢોલીયાપીરની દરગાહ પાસે રહેતા ડ્રાઇવીંગ કરતા આરીફ હબીબભાઇ નોયડા (ઉ.વ.૪૩)એ ગઇકાલે સીટી-એમાં ઘાંચી કબ્રસ્તાન આવાસ સામે રહેતા જીસાન જાવીદ કાસરીયા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
આરોપી જીસાન તથા ફરીયાદીનો પુત્ર અમન (ઉ.વ.૧૫) બંને જણા આરોપીનું નંબર વીનાનું સ્પ્લેન્ડર બાઇક લઇને તા. ૧૯ સવારના ઘર તરફ આવતા હતા ત્યારે કુબેરપાર્ક જવાના રોડ પર નવા પુલીયા પાસે પહોચતા આરોપીએ પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇક પરથી કાબુ ગુમાવી દેતા બાઇકને પુલની નીચે પછાડી દેતા પાછળ બેઠેલા અમનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતું, જયારે પોતાને પણ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. ફરીયાદ અનુસંધાને પીએસઆઇ બ્લોચ દ્વારા તપાસ કરવામાં આવી છે.
અન્ય બનાવમાં એમપીના બીડ ગામના વતની હાલ જામનગર-ખીજડીયા વાડી ખાતે રહેતા મજુરી કરતા રાજબાઇ ઉર્ફે રાધાબેન મનુભાઇ ડાવર (ઉ.વ.૩૮)એ પંચ-એમાં કારચાલક ઢીચડા યોગેશ્ર્વરધામ ખાતે રહેતા હારૂન નુરમામદ કાટેલીયાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદીના પતિ મનુભાઇ ડાવર તથા તેમનો દિકરો અર્જુન અને સાહેદ કલમેભાઇ બાઇક નં. જીજે૧૦બીએમ-૫૯૨૮ લઇને ધુંવાવ ગામ પાસે આવેલ સીમ વિસ્તારમાં ખેતમજુરી અર્થે જતા હતા.
દરમ્યાન ધુંવાવ ગામ પાસે પહોચતા ફોરવ્હીલ કાર નં. જીજે૧૦ડીજે-૮૪૪૧ના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી મોટરસાયકલ સાથે અથડાવેલ આ અકસ્માતમાં અર્જુન અને કલમેભાઇને ગંભીર ઇજાઓ થતા સારવારમાં ખસેડયા હતા, જયારે મનુભાઇનુ ગંભીર ઇજાથી મૃત્યુ નિપજયુ હતું.