BREAKING NEWS

ઓલ ઇન્ડિયા નૌસૈનિક કેમ્પ લોનાવાલામાં ગુજરાત ડાયરેક્ટરેટ એનસીસીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

  • July 15, 2026 10:10 AM 

ઓલ ઇન્ડિયા નૌસૈનિક કેમ્પ લોનાવાલામાં ગુજરાત ડાયરેક્ટરેટ એનસીસીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના અંતર્ગત નેવલ એનસીસી યુનિટ્સના કેડેટ્સ ડ્રિલ સહિતની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ વિજેતા

ડ્રિલમાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમના કેડેટ્સ દ્વારા INS શિવાજી લોનાવાલા, મહારાષ્ટ્રમાં એનસીસીના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ વિરેન્દ્ર વત્સ, YSM, SM, VSM, નવી દિલ્હીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

દર વર્ષે INS શિવાજી, લોનાવાલા (મહારાષ્ટ્ર)માં ઓલ ઇન્ડિયા નૌસૈનિક કેમ્પ (AINSC)નું વાર્ષિક આયોજન કરવામાં આવે છે. તેમાં સમગ્ર ભારતમાંથી એનસીસીના વિવિધ રાજ્યોના 17 ડાયરેક્ટરેટ ભાગ લે છે. આ વર્ષે આ રાષ્ટ્રીય નૌસેના કેમ્પમાં ગુજરાત, દમણ-દીવ અને દાદરા નગર હવેલી ડાયરેક્ટરેટના વિવિધ ગ્રુપ હેડક્વાર્ટર્સ સામેલ થયા હતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટરના નેવલ યુનિટ્સે પણ ડ્રિલ સહિતની અન્ય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટમાંથી કુલ નવ નેવલ યુનિટના 24 યુવાનો અને 12 યુવતીઓ, આમ કુલ 36 નેવલ કેડેટ્સે INS શિવાજી, લોનાવાલા ખાતે આયોજિત રાષ્ટ્રીય કેમ્પમાં ભાગ લીધો હતો.

આ રાષ્ટ્રીય કેમ્પમાં ભાગ લેતા પહેલા રાજ્ય સ્તરના નેવલ કેડેટ્સની પસંદગી કેમ્પ જામનગરમાં શ્રી સત્ય સાંઈ વિદ્યાલય ખાતે યોજાયો હતો. ત્યારબાદ પ્રી-નૌસૈનિક કેમ્પ ગાંધીધામમાં અને લોન્ચ કેમ્પ INS વાલસુરામાં યોજાયો હતો. આ ત્રણેય કેમ્પોમાં વિવિધ વિષયોની સખત તાલીમ બાદ તમામ કેડેટ્સ 30 જૂનથી 12 જુલાઈ 2026 સુધી કુલ 12 દિવસ માટે INS શિવાજી ખાતે AINSCમાં ભાગ લેવા ગયા હતા.

આ કેમ્પમાં ભારતના વિવિધ રાજ્યોના 17 ડાયરેક્ટરેટ્સમાંથી સિનિયર વિંગ/ડિવિઝનના નેવલ કેડેટ્સ ભાગ લે છે. તેમાં ડ્રિલ, બોટ પુલિંગ, ફાયરિંગ, રિગિંગ (વિવિધ ગાંઠ બાંધવાની સ્પર્ધા), નેવીના વિશેષ વિષયો, સીમેનશિપ વગેરે ભારતીય નૌસેનાને લગતા વિષયોની સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

આ વિવિધ વિભાગોની સ્પર્ધાઓમાં આ વર્ષે જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટરે કુલ દસ મેડલ મેળવ્યા છે. જેમાં 8 ગુજરાત નેવલ યુનિટ જામનગરે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર તથા એક બ્રોન્ઝ મેડલ, 6 ગુજરાત નેવલ યુનિટ ગાંધીધામે એક ગોલ્ડ મેડલ, 5 ગુજરાત નેવલ યુનિટ ભુજે એક ગોલ્ડ તથા 4 ગુજરાત નેવલ યુનિટ પોરબંદરે એક ગોલ્ડ, એક સિલ્વર તથા એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ ઉપરાંત, 3 ગુજરાત નેવલ યુનિટ એનસીસી ભાવનગરના કેડેટ રાજવીરસિંહ સોઢાને ઓવરઓલ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે 'કેડેટ કેપ્ટન ઓફ ધ કેમ્પ' તરીકે ગોલ્ડ મેડલ અને 1 ગુજરાત નેવલ યુનિટ એનસીસી અમદાવાદની કેડેટ ફેમિના કોન્ટ્રાક્ટરને સીમેનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.

ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના કેડેટ્સે આ કેમ્પમાં કુલ 24 મેડલ્સ (17 ગોલ્ડ, 3 સિલ્વર, 4 બ્રોન્ઝ મેડલ્સ) જીત્યા છે. તેમની આ શાનદાર સફળતા અને સખત પરિશ્રમ માટે જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર પી. શશિ દ્વારા તમામ કેડેટ્સને જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર ખાતે આમંત્રિત કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.સાથે જ 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા ગુજરાતના તમામ છત્રીસ કેડેટ્સને સખત તાલીમ આપવા બદલ 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાય, 7 ગુજરાત નેવલ યુનિટ વેરાવળના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર દિવ્યાંશુ જોશી, 1 ગુજરાત નેવલ યુનિટ અમદાવાદના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર એન. કરિશ્મા, 2 ગુજરાત નેવલ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સિદ્ધાર્થ રાવત, 6 ગુજરાત નેવલ યુનિટ ગાંધીધામના લેફ્ટનન્ટ કમાન્ડર ભૂમિત ગઢવીના માર્ગદર્શન તથા ANO અને PI સ્ટાફની મહેનતની પણ પ્રશંસા કરી તેમને અભિનંદન આપવામાં આવ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application