દ્વારકા: જગત મંદિરના પુન: ર્જીણોદ્ધારની વ્યાપક માંગ
બે વર્ષ પૂર્વે પુરાતત્ત્વ વિભાગની ટીમ દ્વારા મંદિરના શિખરનું સ્કેનીંગ બાદ સ્થિતિ જૈસે થે?
જગતમંદિરના સાત મજલાના ર્જીણ થયેલ પત્થરોની ત્વરિત મરામત કામગીરી આવશ્યક
ભારતના પશ્ચિમ છેવાડે હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના શિખરના જીર્ણોદ્ધારની વારંવાર રજૂઆતો કરાયા બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા મંદિર શિખરના જર્જરીત ભાગોના પુન: જીર્ણોદ્ધાર માટેની કામગીરીનો સર્વે આજથી આશરે બે વર્ષ પહેલા જૂન-૨૦૨૪ માં કરવામાં આવેલ અને મંદિરના શિખરનું સ્કેનીંગ પણ કરવામાં આવેલ. જોકે ત્યારબાદ હજુ સુધી કોઈ નકકર કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે પુન: ર્જીણોઘ્ધારની કામગીરી કયા કારણોસર અટવાયેલી છે અને કયારે શરૂ કરવામાં આવશે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
ભારતીય પુરાતત્ત્વ વિભાગની દિલ્હી સ્થિત વડી કચેરીના ડીરેકટર જનરલ વાય.એમ. રાવતના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજકોટ ખાતેની ભારતીય પુરાતત્ત્વ વિભાગની સર્કલ કચેરીના માર્ગદર્શન હેઠળ આર્કોલોજીની ટીમના આઠ જેટલા એન્જીનીયર્સે બે વર્ષ પૂર્વે કરેલ વીઝીટમાં દ્વારકાધીશ જગત મંદિરના ફલોરીંગથી લઈને લાડવા ડેરા તથા શકિત માતાજીના મંદિર સુધીના મજલા અને ધ્વજાજીના દંડ સુધીના મજલા ઉપર ત્રણ ટીમ બનાવીને ૩૫૦ ડીગ્રી સહિતના સાધનો સાથે હાલની મંદિરની કંડોરાયેલી શિલ્પ કલાઓનું સ્કેનીંગ કરાયું હતું અને આ સ્કેનીંગ કરેલા ડેટા આધારે થયેલા મંદિરના જીર્ણ થયેલ વિવિધ ભાગોનું સ્થાપિત પત્થરોને અનુરૂપ મંદિરનો પુન: ર્જીણોઘ્ધાર થાય તેના ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર હતું. પરન્તુ આ અંગે હજુ સુધી કામગીરી શરૂ થયેલ હોવાનું સ્થળ સ્થિતિમાં જણાતું નથી.
ખાસ કરીને જગતમંદિરના ફલોરીંગમાં પથરાયેલ કલાત્મક પત્થરો જે જીર્ણ હાલતમાં હોય તેમજ મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ સભામંડપ તથા નિજમંદિર સહિતના ભાગોમાં પણ જીર્ણ થયેલ પત્થરોની જગ્યાએ નવા પત્થરો વડે ર્જીણોઘ્ધાર કરવાનું નકકી કરાયું હતું. આ કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૧૮ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આમ છતા બે વર્ષ બાદ પણ હજુ સુધી કાગજી કાર્યવાહી સિવાય નકકર કામગીરી દેખાતી ન હોવાનું જણાઈ રહયુ છે.