BREAKING NEWS

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

  • June 24, 2026 05:43 PM 

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

કન્યા કેળવણી મહોત્સવ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે : મંત્રી

જામનગર તા.૨૪ જુન, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને દડિયા પ્રાથમિક શાળા, એચ.એમ.નંદા માધ્યમિક શાળા અને નાધુના પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની શરૂઆત છે. ગુજરાત સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન દ્વારા શિક્ષણનો વ્યાપ વધ્યો છે. 

ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપીને તેમને આત્મનિર્ભર, સશક્ત અને સ્વાવલંબી બનાવવાના અભિયાનને નવી દિશા આપી છે.આજે દીકરીઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, આરોગ્ય, વહીવટ અને ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. શાળાના દ્વારે પ્રવેશ કરતું દરેક બાળક આવતીકાલના વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતનું ભવિષ્ય છે. શિક્ષણ એ એવી શક્તિ છે જે સામાન્ય પરિવારમાં જન્મેલા બાળકને પણ અસાધારણ સફળતાના શિખરો સુધી પહોંચાડી શકે છે.

શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણને સમાજના દરેક ઘર સુધી પહોંચાડવાનો કાર્યક્રમ છે, જેનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકાર તેને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા જનભાગીદારી આધારિત અભિયાનનો પ્રારંભ કરીને શિક્ષણને પ્રાથમિકતા આપી હતી. તેમના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ થયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ અભિયાન વધુ વ્યાપક અને અસરકારક બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં વધારો, શાળાકીય સુવિધાઓનું આધુનિકીકરણ, ડિજિટલ શિક્ષણ અને વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના પરિણામે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારાઓ આવ્યા છે.

મંત્રીના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાની દડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા, દડિયા પ્રાથમિક શાળા અને ગણેશનગર પ્રાથમિક શાળાના ૬૩ વિદ્યાર્થીઓ, એચ.એમ.નંદા માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એચ.એમ.નંદા માધ્યમિક શાળામાં ધો.૯માં ૫૨, આંગણવાડીના ૬, બાલવાટિકાના ૧૦ અને નારણપુર તાલુકા શાળાના ૬ વિદ્યાર્થીઓ તથા નાઘુના પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાઘુના પ્રાથમિક શાળા, નવા નાઘુના પ્રાથમિક શાળા અને નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય નાઘુના, આંગણવાડી અને બાલવાટિકાના એમ કુલ ૩૮ બાળકોને શાળામાં આવકારવામાં આવ્યા હતા.

આમ કુલ ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓને મંત્રી સહીતના મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સમ્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ બચાવો જેવા વિષયો પર પ્રવચન તથા સંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમોમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, અગ્રણી ડો.વિનોદભાઈ ભંડેરી, ગુજરાત રાજ્ય પાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સભ્ય હીનાબેન હરવરા, દડિયા ગામના સરપંચ રાજેશભાઈ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, એસએમસી અધ્યક્ષ કમલેશ હરવરા, શાળાના આચાર્યઓ, શિક્ષકો, આગેવાનો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News