આઉટ સોર્સિંગથી કોણ કરી રહ્યું છે મની ઇન કમીંગ ?

  • March 16, 2023 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર કોર્પોરેશનમાં હવે તો રોજમદાર તરીકે નોકરી મળતી નથી, ૨૫-૨૫ વર્ષથી કામ કરી રહેલા કર્મચારીઓને પણ પ્રમોશન મળતું નથી અને કેટલાક મામકાઓને બે-બે પ્રમોશન આપી દેવાયા છે, નિવૃત થઇ ગયા હોવા છતાં પણ કર્મચારીઓને એ જ પોસ્ટ ઉપર રાખવામાં આવે છે જેથી અન્ય લોકોના પ્રમોશન અટકી જાય છે અને તેઓને હળાહળ અન્યાય થાય છે, કોર્પોરેશનમાં લગભગ ૧૩૦થી વધુ કર્મચારીઓ આઉટ સોર્સિંગના છે, ૬ કંપનીઓને આ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, પરંતુ બધા સાથે મળીને મલાઇ ખાતા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે, નાના-નાના કર્મચારીઓના પગારમાંથી દર મહીને રૂ.૨ થી ૨.૫ હજાર કાપી લેવામાં આવે છે, ઘણા બધાનું પીએફ જમા કરાવાતું નથી, રૂ.૯૫ કે રૂ.૬૭ પીએફ કાપીને ગાડુ ગબડાવવામાં આવે છે ત્યારે આ મામલે મેયરનું કંઇ ચાલતું નથી, તેમણે હાથ ઉંચા કરી દીધા છે, હવે જામનગર મહાપાલિકાના કમિશ્નર અને પદાધિકારીઓ કર્મચારીઓને થતાં અન્યાયનો મામલો હાથમાં લે તો જ તેમની વ્યથા દુર થઇ શકે. 


કર્મચારીઓના જણાવ્યા મુજબ કેટલાક કર્મચારીઓ કોમ્પ્યુટર ઓપરેટર હતાં તેને પટ્ટાવાળા બનાવી દેવાયા છે, જે કર્મચારીનો પગાર રૂ.૧૧ હજાર નકકી કરાયો હતો તેને માત્ર ૯ હજાર આપી દેવામાં આવે છે અને કોઇ કર્મચારી આ પ્રશ્ર્ને ચું કે ચા કરે તો તેને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે, કેટલાક નાના કર્મચારીઓને માંડ-માંડ ૭ હજાર મળતા હોય છે તેમાંથી પણ આ એજન્સીઓ રૂ.૨ હજારની કટકી કરતા હોવાની પણ વાત બહાર આવી છે અને તેઓ ત્યાં સુધી કહે છે કે અમારે પણ કેટલાક લોકોને ‘પ્રસાદ’ દેવો પડે છે. 


એક તરફ કાયમી કર્મચારીઓની ભરતી નથી, ૪૬ જેટલા રોજમદાર કર્મચારીઓને વર્ષોથી કાયમી કરવામાં આવતા નથી તેમ ગઇકાલે કોર્પોરેટર રચના નંદાણીયાએ આંદોલન કરતી વખતે જણાવ્યું હતું, કર્મચારીઓના પીએફ શા માટે જણાવવામાં આવતા નથી તેવો અણીયારો પ્રશ્ર્ન પણ તેઓએ ઉઠાવ્યો છે. છ કંપનીઓ જે કર્મચારીઓ સપ્લાય કરે છે તેનો કોઇ ખુલાસો પુછાયો છે કે કેમ ? વર્ષોથી પુરતા પગાર અપાતા નથી ત્યારે તેમની પાસેથી રિકવરી કરીને કર્મચારીઓને રૂપિયા અપાશે કે કેમ ? તે અંગે પણ ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે. 


આ તમામ કંપનીઓ દ્વારા કર્મચારીઓને નોકરી આપવામાં આવે છે પરંતુ કઇ-કઇ કંપની દ્વારા ઓછા પગાર આપવામાં આવે છે તે જાહેર કરાતું નથી અને પદાધિકારીઓને વાત કરતા જોઇ લેશું તેવી વાત કરવામાં આવે છે, આ બધી ભાંજગડમાં કર્મચારીઓનો શું વાક તે પણ પ્રશ્ર્ન ઉઠયો છે. વર્ષોથી આ લોકોને અન્યાય કરવામાં આવે છે, કેટલાક કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે અને તેનું પીએફ પણ કાપવામાં આવ્યું નથી ? તો જવાબદારી કોની ? શા માટે આઉટ સોર્સિંગ એજન્સીઓના સંચાલકોથી પદાધિકારીઓ અને અધિકારીઓ ડરી જાય છે ? તે સમજાતું નથી, હવે નવા ટેન્ડર બહાર પડવાના છે ત્યારે વર્ષોથીજુના કર્મચારીઓને જે રીતે અન્યાય થયો છે અને તેમના ૨૫ ટકાથી વધુ પગાર કાપી લેવામાં આવ્યા છે તો તે અપાવવાની જવાબદારી કોની ? શું આ અંગે અધિકારીઓને આ બાબતની જાણ નથી ? કોઇ કર્મચારીઓ અવાજ ઉઠાવે તો તેને સાઇડ લાઇન કરી દેવાય છે અથવા નોકરીમાંથી રૂકસદ આપી દેવાય છે, આ કૌભાંડ ખરેખર તપાસ કરવાની જરૂર છે, જો કે હાલમાં કોર્પોરેટર રચના નંદાણીયાએ આ મુદો ઉઠાવ્યો છે અને આમા કર્મચારીઓને કેટલો ન્યાય મળશે તે જોવાનું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application