BREAKING NEWS

દ્વારકા-ઓખા હાઈવે પર આરંભડા ત્રણ રસ્તા પાસે ટ્રાફિક નિયમોનો ઉલાળીયો

  • January 16, 2026 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક તરફ સરકાર દ્વારા માર્ગ અકસ્માતો નિવારવા માટે ’રોડ સેફ્ટી’ અભિયાનો પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ દ્વારકા-ઓખા હાઈવે પર આવેલ આરંભડા ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી અને ઓખા નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતાને કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા છે.


આરંભડા પાસે જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય છે, ત્યાં ટ્રાફિક નિયમન કે સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા નથી. દરરોજ ટ્રાફિક નિયમોના સરેઆમ લીરેલીરા ઉડી રહ્યા છે. વાહનોની અનિયંત્રિત ગતિ અને સાઈન બોર્ડ કે સર્કલના અભાવે આ સ્થળ ’એક્સિડન્ટ ઝોન’ બની ગયું છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? નેશનલ હાઈવે તંત્રની બેદરકારીના કારણે હાઈવે પર ત્રણ રસ્તા ભેગા થતા હોવા છતાં, સ્પીડ બ્રેકર, ચેતવણી દર્શાવતા બોર્ડ કે બ્લિંકર્સ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સ્થાનિક તંત્ર તરીકે ઓખા નગરપાલિકાની પણ જવાબદારી બને છે કે નગરના પ્રવેશદ્વાર સમાન આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય, પરંતુ પાલિકા તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે.

​​​​​​​


અકસ્માત નિવારવા માટે સરકાર અનેક કાયદાઓ બનાવે છે, પરંતુ જ્યારે અમલીકરણની વાત આવે છે ત્યારે સ્થાનિક અધિકારીઓ હાથ ઊંચા કરી દે છે. આ સંજોગોમાં અહીં જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય, તો તેની જવાબદારી કોની...?  નેશનલ હાઈવે ઓથોરિટીની કે પછી ઓખા નગરપાલિકાની કે અન્ય કોઈની...? તેમ લોકોમાં સળગતો પ્રશ્ર્ન જોવા મળી રહ્યો છે, જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે આરંભડા ત્રણ રસ્તા પર ટ્રાફિક સર્કલ અને સ્પીડ લિમિટના બોર્ડ મુકવામાં આવે, તેમજ ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉભો કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application