BREAKING NEWS

જામનગર: જામજોધપુરના જૂની આંબરડી ગામે પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ગ્રામજનો શોકમગ્ન 

  • May 30, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુરના જૂની આંબરડી ગામે પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ગ્રામજનો શોકમગ્ન 

પરિવારનું હૈયાફાટ રુદન: અકસ્માતમાં બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ નજીક ગઈકાલે સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના કરુણ મોત નિપજ્યા બાદ હવે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા બોલેરો પીકઅપના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતક રોહિતભાઈના ભાઈ સાગરભાઈ રાઠોડે શેઠવડાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત આજે જૂની આંબરડી ગામમાં પિતા પુત્રની એકી સાથે અર્થી ઉઠતાં ભારે કરણ દ્રશ્યો સર્જાયા છે.

ફરિયાદ મુજબ ધ્રાફા ગામથી જૂની આંબરડી તરફ જતાં માર્ગ પર રોહિતભાઈ રાઠોડ અને તેમના પિતા ભાનુભાઈ રાઠોડ મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી બોલેરો પીકઅપે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પિતા-પુત્ર બંનેને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ બોલેરો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે મૃતક રોહિતના ભાઈ સાગર ભનુભાઈ રાઠોડ એ પોતાના ભાઈ અને પિતા ને ઠોકરે ચડાવી મૃત્યુ નિપજાવવા અંગે જી.જે. ૧૦ ટી.ટી. ૩૯૭૨ નંબરના બોલેરો પીકપ વેન ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. શેઠ વડાળા પોલીસે ફરિયાદના આધારે બોલેરો પીકઅપ વેનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

દરમિયાન આજે જૂની આંબરડી ગામમાં પિતા અને પુત્રની એકસાથે અર્થી ઊઠતા સમગ્ર ગામ ગમગીન બની ગયું હતું. એક જ પરિવારના બે સભ્યોના અકાળ અવસાનથી સ્વજનો પર આભ તૂટી પડ્યું હતું. પિતા અને પુત્રના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો, સગાસંબંધીઓ અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.

એક જ સમયે બંનેની અર્થી નીકળતા કરુણ દૃશ્યો સર્જાયા હતા. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ભારે બની ગયું હતું. ગામના અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જીવનભર પુત્રનો હાથ પકડીને ચાલનારા પિતા અને પિતાની છત્રછાયા હેઠળ ઉછરેલા પુત્રની એકસાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News