રાણા રોજીવડા ગામે તળાવમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત
દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની સરહદ પર આવેલા ભાણવડ નજીકના રાણા રોજીવડા ગામે શનિવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નાહવા પડેલા બે માસૂમ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, રાણા રોજીવડા ગામે રહેતા અને સ્થાનિક શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉંમર વર્ષ ૧૧) અને સુમિત જગદીશભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૧૨) શાળાએથી છૂટ્યા બાદ ગામના નેસડા તળાવમાં નાહવા માટે ગયા હતા. નાહતી વખતે પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતા બંને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબી રહ્યા હોવાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ કમનસીબે બંનેને બચાવી શકાયા નહોતા.
આ દુર્ઘટનામાં સુમિત સોલંકીના મોતે પરિવાર પર આભ તોડી નાખ્યું છે, કારણ કે તે પાંચ બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ હતો. એકાએક વહાલસોયા પુત્રના મોતના સમાચાર મળતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ કિસ્સો અન્ય વાલીઓ માટે પણ લાલબત્તી સમાન સાબિત થયો છે, જે બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
બંને મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગેની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. હાલમાં આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી બગવદર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એકસાથે બે આશાસ્પદ બાળકોના મોતથી રાણા રોજીવડા ગામમાં ચુપ્પી છવાઈ ગઈ છે અને પરિવારોમાં કલ્પાંત જોવા મળી રહ્યો છે.