ખંભાળીયામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપાયા
સજાથી બચવા માટે છેલ્લા લાંબા સમયથી ફરાર આરોપીઓ જેલહવાલે
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ, ખંભાળીયા પોલીસ દ્વારા કોર્ટના હુકમનું પાલન કરાવવા માટે સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ખંભાળીયા પોલીસ સ્ટેશનની ટીમે ગંભીર ગુનાઓમાં કોર્ટ દ્વારા સજાના હુકમ કરવામાં આવ્યા હોવા છતાં, સજાથી બચવા માટે છેલ્લા લાંબા સમયથી નાસતા-ફરતા બે આરોપીઓને ઝડપી પાડી જેલહવાલે કરવામાં આવ્યા છે.
પ્રથમ કિસ્સામાં, ફોજદારી કેસ નં. ૧૪૦૬/૨૦૧૯ (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮) ના કામે આરોપી જમનભાઇ માવજીભાઇ નકુમ (રહે. રામનગર, ભાણવડ પાટીયા પાસે, બાલન વાડી, ખંભાળીયા) ને એક વર્ષની સાદી કેદ અને દંડની રકમ નહીં ચૂકવવા બદલ વધારાની એક માસની સજા તથા ફરિયાદીને વળતર ચૂકવવાના હુકમથી બચવા છેલ્લા બે વર્ષથી ફરાર હતો. બીજા કિસ્સામાં, ફોજદારી કેસ નં. ૬૦૫/૨૦૨૩ (કલમ ૧૩૮) ના કામે આરોપી નિશાંતભાઇ ચંદુલાલ ભટ્ટ (રહે. હર્ષદપુર, ખંભાળીયા) ને ત્રણ માસની સાદી કેદ અને દંડ નહીં ભરવા બદલ વધારાની ૭ દિવસની સજાના હુકમથી બચવા છેલ્લા સવા વર્ષથી નાસતો-ફરતો હતો.
આ આરોપીઓને પકડી પાડવા માટે ખંભાળીયા-વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રુદલાલ તથા ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમના સભ્યોમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સરતાજ સાંઘ, એ.એસ.આઇ. હેતલબેન ચોપડા, પો.હેડ.કોન્સ. ખીમભાઇ અંબલીયા અને પો.કોન્સ. સહદેવસીંહ જાડેજાનો સમાવેશ થાય છે. ઉપરોક્ત પોલીસ ટીમે હ્યુમન તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી તપાસ કરી બંને આરોપીઓને ઝડપી પાડી, સજા ભોગવવા માટે જામનગર જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.